ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની- 2022ની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે યોજાનાર મતદાન માટે આવતીકાલ તારીખ 29 નવેમ્બર 2022ને સાંજે 5-00 વાગે ચૂંટણી પડઘમ શાંત થઈ જશે. રાજ્યમાં તા. 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા તથા 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 હરિફ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે. પ્રથમ તબક્કામાં તા. 29.11.2022 ના સાંજના 5-00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે.