ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી થવાની છે. એક તરફ ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ઝડપી બનાવી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં ભરતી મેળો જામતા રાજકીય પાટલી બદલાવાની હોડ જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાંથી નેતાઓ અને કાર્યકરો એકબીજાના પક્ષમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી પહેલાં જ રાજકીય પાટલી બદલાવાની હોડે નવા સમીકરણો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારી જાહેર થયા બાદ અને મતદાન સુધી આ રાજકીય ફેરફારો કેટલા અસરકારક સાબિત થાય છે. બીજી તરફ આજે સાંજે ગુજરાત કોંગ્રેસે જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, મોરબી, રાજકોટ અને અમદાવાદ મનપાના કુલ 243 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
ભાજપમાં પસંદગી પ્રક્રિયા: ૫ થી ૭ એપ્રિલ વચ્ચે ફાઈનલ લિસ્ટ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ૩૪ જિલ્લાની પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે ઝોનવાઇઝ સંકલન બેઠકોનો દોર શરૂ થયો છે.
ગાંધીનગરમાં મંથન: મંત્રીઓના નિવાસસ્થાને ધારાસભ્યો અને પ્રભારીઓની હાજરીમાં સંભવિત ઉમેદવારોના નામની સ્ક્રુટિની ચાલી રહી છે.
•હાઈપાવર કમિટી: આગામી ૫, ૬ અને ૭ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અંતિમ યાદી પર મહોર મારશે.
સૌરાષ્ટ્રમાં ખળભળાટ: ભાજપના દિગ્ગજો કોંગ્રેસના શરણમાં
ગીર સોમનાથના કોડીનારમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
સુનીલ રાઠોડની ઘરવાપસી: ભાજપના વર્ષો જૂના સાથી અને કારોબારી ચેરમેન રહી ચૂકેલા સુનીલ રાઠોડ ૧૨ ગામોના જૂથ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. તેમને વડનગર જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે.
શક્તિ પ્રદર્શન: સુનીલ રાઠોડના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ૧૦૦૦થી વધુ લોકો ઉમટ્યા હતા, જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પૂજાભાઈ વંશે જેઠાભાઈ સોલંકી પણ ટૂંક સમયમાં વિધિવત કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો કર્યો છે.
રાજ્યભરમાં પક્ષપલટાની મોસમ ફરી આવી
- ભરૂચ: જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ ૨૦૧૭માં કોંગ્રેસ છોડ્યા બાદ ફરી ‘ઘર વાપસી’ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
- રાજકોટ: આવાસ કૌભાંડમાં વિવાદમાં આવેલા અને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ કોંગ્રેસમાં સામેલ થયા છે.
- ખેડા અને નવસારી: કઠલાલમાં અનેક ભાજપ અગ્રણીઓ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા, જ્યારે ચીખલીમાં ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં ૧૦૦થી વધુ કાર્યકરોએ પક્ષપલટો કર્યો છે.
આંતરિક અસંતોષ અને રાજીનામા
- વડોદરા: ભાજપમાં અલ્પેશ લિંબચિયાની વાપસીથી પૂર્વ મેયર નિલેશ રાઠોડે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.
- કોંગ્રેસમાં ભંગાણ: અમદાવાદના વર્ષો જૂના કાર્યકર ઇકબાલ શેખે પાર્ટીમાં સન્માન ન જળવાતું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.