નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પ્રથમવાર માર્ચના પ્રથમ સપ્તાહમાં વિધાનસભામાં બજેટ રજૂ કરાશે

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે ફેબ્રુઆરી (February) મહિનાની મધ્યમાં નહીં પણ માર્ચ (March) મહિનામાં યોજાય તેવી સંભાવના છે. કોરોના (Corona) મહામારીના કારણે સત્રના પ્રારંભમાં વિલંબ થઇ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી (Election) હોવાથી આ વર્ષે સરકાર ચૂંટણીલક્ષી બજેટની તૈયારી કરી રહી છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બજેટ સત્ર દરમ્યાન સરકાર દ્વારા વિવિધ ૧૦થી વધુ કાયદામાં સુધારાઓ સૂચવવા સાથે વિધેયકો પસાર કરાશે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભાના સત્રનો પ્રારંભ 1લી માર્ચથી થશે અને ત્રીજી માર્ચે ગુજરાત સરકારનું 2022-23ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે, જો કે કેબિનેટની બેઠકમાં બજેટ સત્રની તારીખનો આખરી નિર્ણય લેવામાં આવશે.
બજેટ સત્ર પૂર્વે સરકારના 26 વિભાગો અને અન્ય સરકારી કચેરીઓ દ્વારા બજેટને લગતા ખર્ચા, નવી યોજનાઓ, અગાઉ સમાવિષ્ટ યોજનાઓની વિગતો તેમજ રાજ્ય સરકારના ખર્ચ અને આવકના અંદાજો સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સરકારના જુદા જુદા વિભાગોએ નાણાં વિભાગને તમામ વિગતો અને માહિતી આપી દીધી છે અને હવે નાણાં મંત્રી દ્વારા બજેટને ફાઇનલ ઓપ આપવામાં આવી રહ્યો છે.

નાણામંત્રી કનુભાઇ દેસાઇ પ્રથમ વખત બજેટ રજૂ કરવાના છે, કેમ કે વર્ષના આખરમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી હવે પછીના બજેટ નવી સરકાર રજૂ કરશે. રાજ્યના તત્કાલિન નાણામંત્રી નીતિન પટેલે છેલ્લે કુલ ખર્ચના હિસાબે 2.23 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું જેમાં આ વર્ષે 8 થી 10 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ વર્ષે પણ આરોગ્ય વિભાગના બજેટમાં વધારો થવાનો સંભવ છે. ગુજરાત સરકારના નવા વર્ષ 2022-23ના વર્ષના સામાન્ય અંદાજપત્રમાં માત્ર 10 ટકાનો વધારો થવાની સંભાવના દેખાઇ રહી છે. ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં બજેટના કદમાં દર વર્ષની જેમ 18 થી 20 ટકાનો સરેરાશ વધારો શક્ય નથી. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી નાણાં વિભાગ નવી યોજનાઓમાં વધારે ફાળવણી કરી શકે તે માટે બજેટના કદમાં ૧૦ ટકાનો વધારો સૂચવે તેમ જણાય છે.

ગુજરાતનું 2020-21ના વર્ષના બજેટનું કદ 2.17 લાખ કરોડ રૂપિયા હતું જેની સામે ચાલુ નાણાકીય વર્ષના બજેટનું કદ 2.23 લાખ કરોડ નિયત કરવામાં આવ્યું હતું પરંતુ સુધારેલા અંદાજપત્રમાં બજેટની ધારણા કરતાં આવકમાં ૭ થી ૮ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે ત્યારે નવા વર્ષના બજેટમાં પણ ગયા વર્ષની જેમ આરોગ્યના બજેટમાં વધારો થાય તેવા સંકેત મળી રહ્યા છે. નાણાં વિભાગે સરકારના તમામ 26 વિભાગો પાસેથી બજેટ રિલેટેડ ખર્ચ અને નવી યોજનાઓની વિગતો મંગાવી દીધી છે અને અત્યારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

2022-23ના વર્ષના બજેટમાં નવી યોજનાઓ સાથે બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને કરકસર રાખવાના માપદંડો રાખવામાં આવી શકે છે. એ સાથે આરોગ્ય સહિતના જનતાને લગતી જોગવાઇ સાથે ટેક્સના વિવિધ માળખામાં થોડું પરિવર્તન આવે તેવું સંભવ છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ ડેવલપર્સની માગણીને ધ્યાને રાખી આ વખતે સ્ટેમ્પડ્યુટીના દરોમાં 40 થી 50 ટકા ઘટાડો સંભવ છે, જ્યારે સામાન્ય જનતાના વીજળીના બીલો ઓછા કરવા માટે નાણા વિભાગ વીજશુલ્કના દરોમાં ઘટાડો કરે તેવું જાણવા મળી રહ્યું છે.


વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતાં વેરાઓમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના ઓછી

રાજ્યના નાણાં વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટમાં સમાવેશ કરવામાં આવનારી નવી જોગવાઇ, નવી ભરતીના કર્મચારીઓના પગાર અને ભથ્થાં, જે યોજનાઓ ચાલુ હોય તેને અપગ્રેડ કરવાના ખર્ચા તેમજ સરકારના વિવિધ ખર્ચની વિગતો વિભાગોએ સુપરત કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી આવવાની હોવાથી નવા વર્ષના બજેટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેમજ વેલ્યુ એડેડ ટેક્સ સિવાયની રાજ્ય સરકારની અન્ય આવકના વેરાઓમાં કોઇ નોંધપાત્ર વધારો થવાની સંભાવના નથી.

આરોગ્ય માટે પાછળ વધુ ખર્ચ કરાશે
નવા વર્ષના બજેટમાં આરોગ્યની સંસ્થાઓ તેમજ હોસ્પિટલોની સાધનસામગ્રી તેમજ મેનપાવરના ખર્ચને પહોંચી વળવા કેટલીક નવી જોગવાઇ સૂચવવામાં આવી શકે છે. એ ઉપરાંત આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં આરોગ્ય પાછળ સરકાર માર્ચ 2022ના અંત સુધીમાં કુલ 11323 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, પરંતુ 2022-23ના બજેટમાં આરોગ્ય સેવાઓ પાછળના બજેટનું કદ 13 હજાર કરોડ કરતાં વધે તો નવાઇ પામવા જેવું નથી

Most Popular

To Top