ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Election) પહેલાં હજુયે બેથી ત્રણ કોંગ્રેસના (Congress) ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં (BJP) પ્રવેશ મેળવે તેવી સંભાવના છે, ત્યારે કોંગીના રાજ્યસભાના સાંસદ તથા પીઢ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાથે મહત્વની મુલાકાત કરતાં હવે ભાજપ તથા કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં રાજનીતિ ગરમાઈ છે. ખાસ કરીને ફૈઝલ પટેલ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જશે, તેવી ચર્ચા અટકળા શરૂ થઈ જવા પામી છે.
ફૈઝલ પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે “હું સતત છેલ્લા કેટલાંક વર્ષોથી સી આર પાટીલને મળતો હોઉં છું. ” ફૈઝલ પટેલે સુરતમાં સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે. ૨૦૨૪માં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીયે તો ફૈઝલ પટેલની આ મુલાકાત રાજકીય દ્રષ્ટિએ સૂચક મનાય છે. બીજી તરફ ભાજપ તથા કોંગીમાં ફૈઝલ પટેલ તથા સી આર પાટીલ વચ્ચેની મુલાકાતને પગલે અટકળો શરૂ થઈ જવા પામી છે. પ્રદેશ ભાજપના પ્રવકત્તા યમલ વ્યાસે કહ્યું હતું કે ફૈઝલ પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેનાથી આગળ અમે રાજકીય રીતે વધુ કાંઈ જોઈ રહ્યાં નથી. હા કદાચ, ફૈઝલ પટેલ આ મુલાકાત દ્વારા કોંગ્રેસ પાર્ટી ઉપર કોઈ રાજકીય દબાણ ઊભું કરવા માંગતા હોય તેવું બની શકે. કોંગ્રેસની નેતાગીરી આ મુલાકાતથી આશ્વર્યમાં મૂકાઈ જવા પામી છે, એટલે કોઈ મોટી રાજકિય પ્રતિક્રિયા આપવાનું ટાળી રહી છે.