અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ગાંધી અને પટેલનું મોડેલ ભૂસીને જૂઠનું મોડલ ઊભું કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતી હંમેશા દેશને નવી રાજનીતિ રાજનીતિક દિશા બતાવી છે, ત્યારે આગામી દિવસોમાં પણ ગુજરાતની જનતા દેશને એક નવી જ પરિવર્તનની નવી દિશા બતાવશે, તેવું કોંગ્રેસના યુવા નેતા કનૈયાકુમારે કહ્યું હતું.
આજે અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના યુવા નેતા કનૈયાકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતે જ્યારે જ્યારે પણ કોઈક નિર્ણય કર્યો છે, ત્યારે દેશની રાજનીતિ અને અર્થતંત્ર પર તેની અસર થઈ છે. ગુજરાતમાંથી જ પરિવર્તનની શરૂઆત થઈ છે. પરિવર્તનનો પહેલો અહેસાસ ગુજરાત કરતું હોય છે, ત્યારે છેલ્લા 27 વર્ષથીની રાજનીતિ પછી હવે ગુજરાત એક નવી રાજનીતિક દિશા બદલવા તરફ જઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મૂળ જીવન જરૂરિયાતના મુદ્દાઓ ઉપર નહીં પરંતુ ભાવાત્મક મુદ્દાઓ ઉપર લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતની જનતા છેલ્લા 27 વર્ષના શાસનમાં આ બધું જ સમજી ગઈ છે. આ વખતે ભાવાત્મક મુદ્દાઓ નહીં, પરંતુ અસલ જીવન જરૂરિયાતના મુદ્દાઓ પર મતદાન યોજાશે, તેઓ વિશ્વાસ છે.
કનૈયાકુમારે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન પરિવારવાદની વાત કરતા હોય છે, પરંતુ આજે ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 જેટલા ઉમેદવારોને જે ટિકિટ આપી છે, તે ભાજપના કોઈનો કોઈ પરિવારમાંથી જ આવે છે, તેમ છતાં પરિવારવાદનો આક્ષેપ કોંગ્રેસ પર કરવામાં આવી રહ્યો છે. તેથી જનતાએ હવે અસલ બુનિયાદી મુદ્દાઓ ઉપર સવાલ ઉઠાવવો પડશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર જોવા મળે છે. જે લોકોને પોતાના અસલ મુદ્દાઓ માટે પ્રેમ હશે તે લોકો કોંગ્રેસને વોટ આપશે અને ગુજરાતમાં આ વખતે પરિવર્તન ચોક્કસ થશે.