અમદાવાદ,
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ૧૨ એપ્રિલ, રવિવારે સવારે ૯.૩૦ કલાકે રાજ્યની તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસાથે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજી ચૂંટણી પ્રચારના વિધિવત શ્રીગણેશ કરવામાં આવ્યા છે. અમદાવાદના કુબેરનગર, સરદારનગર અને નરોડા વોર્ડના ઉમેદવારો સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “ભાજપ હંમેશા લોકોની વચ્ચે રહેનારી અને કેડર આધારિત પાર્ટી છે. પ્રજાની કોઈપણ મુશ્કેલી હોય તો લોકોએ સંકોચ વગર કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદની ઓફિસે જવું, ભાજપના પ્રતિનિધિઓ પ્રજાની સેવા માટે હંમેશા તત્પર છે.” મુખ્યમંત્રીએ વધુમાં કહયું હતું કે ટિકિટ મળી હોય કે ન મળી હોય, પક્ષનો દરેક કાર્યકર સમર્પિત છે. તેમણે જનતાને ૨૬ એપ્રિલે વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા માસ્ટર પ્લાન મુજબ, રાજ્યના વિવિધ શહેરોમાં સિનિયર આગેવાનોએ પ્રચારનો આરંભ કરાવ્યો હતો.
- અમદાવાદ (કાંકરિયા): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પી ઉમેદવારોને જનસેવાના શપથ લેવડાવ્યા હતા.
- રાજકોટ (રેસકોર્સ): પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રેસકોર્સ ખાતે ઉપસ્થિત રહી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું.
- વડોદરા (કાલાઘોડા): નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે કીર્તિ મંદિર ખાતે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ભાજપના આ સંકલ્પ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. કુબેરનગર અને નરોડામાં સ્થાનિક હોદ્દેદારો સાથેની ચર્ચામાં મુખ્યમંત્રીએ પ્રચારને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના સૂચનો આપ્યા હતા. ચૂંટણી પ્રચારના પ્રથમ દિવસે જ ભાજપે રાજ્યભરમાં શક્તિપ્રદર્શન કરીને વિરોધ પક્ષો સામે આક્રમક શરૂઆત કરી દીધી છે.