Gujarat

ચૂંટણી જંગ – ગુજરાતમાં ભાજપનો ‘ગ્લેમર કાર્ડ’ અને કોંગ્રેસમાં ‘કકળાટ’, ફોર્મ ભરવાના અંતિમ દિવસે પક્ષપલટા અને વિવાદોનો વંટોળ, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો

ગાંધીનગર,તા.11
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજ્યભરમાં અભૂતપૂર્વ રાજકીય ગરમાવો જોવા મળ્યો. ભાજપે જ્યાં લોકપ્રિય કલાકારોને મેદાનમાં ઉતારી ‘ગ્લેમરનો તડકો’ લગાવ્યો છે, ત્યાં બીજી તરફ વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલાતા પક્ષની શિસ્ત પર સવાલો ઉઠ્યા છે. બીજી બાજુ, કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઈ મોડી રાત સુધી ચાલેલા વિખવાદે પક્ષની મુશ્કેલીઓ વધારી દીધી છે.ગઈકાલ રાતથી આજે બપોરે ત્રણ વાગ્યા સુધી રાજકિય પક્ષોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતિ જોવા મળી હતી.

ભાજપનો ‘ગ્લેમર માસ્ટરસ્ટ્રોક’ – કલાકારોની રાજકારણમાં એન્ટ્રી
યુવા મતદારોને આકર્ષવા ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર્સ અને લોકપ્રિય સિંગરો પર દાવ ખેલ્યો છે:

  • રાજલ બારોટ: સ્વ. મણિરાજ બારોટની સુપુત્રી રાજલ બારોટ ઉના નગરપાલિકાના વોર્ડ નં. 7 થી ચૂંટણી લડશે.
  • નેહા સુથાર: ઉત્તર ગુજરાતની જાણીતી ગાયિકા નેહા સુથાર વિજાપુરની કુદેડા બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી લડશે.
  • સોનલ ડેર: પ્રખ્યાત સાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલબેને અમરેલીની ચાવંડ બેઠક પરથી કેસરિયો ધારણ કરી ઉમેદવારી નોંધાવી છે.
  • અંકિતા પરમાર: 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી રીલ સ્ટાર અંકિતા પરમાર વડોદરાની પોર બેઠક પરથી જિલ્લા પંચાયતનું મેદાન ગજવશે.
    ભાજપમાં ‘બ્લન્ડર’ અને છેલ્લી ઘડીના ઉલટફેર
    માઈક્રો પ્લાનિંગ માટે જાણીતા ભાજપમાં આજે કેટલીક ગંભીર ભૂલો પણ જોવા મળી હતી.
    1 વડોદરાનો ‘છબરડો’: વોર્ડ નં. 1 માં રાગ લલિત માછરને ટિકિટ આપી પણ તપાસતા ખબર પડી કે તેમનું નામ જ મતદાર યાદીમાં નથી! અંતે ભૂરસિંગ રાઠવાને મેદાનમાં ઉતારાયા.
    2 રાજકોટનો ડ્રામા: વોર્ડ નં. 7 માં શૈલેષ જાની સ્ટેજ પર બેઠા હતા અને ત્યાં જ તેમની ટિકિટ કાપીને નેહલ શુક્લને મેન્ડેટ આપી દેવાયો.
    3 અમદાવાદમાં ફેરફાર: પાલડીમાં આશિષ શાહના બદલે જૈનિક વકીલ અને જમાલપુરમાં સંતાન વિવાદને કારણે ટિકિટોની અદલાબદલી કરવામાં આવી.
    કોંગ્રેસની હાલત ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી
    કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.
  • અમદાવાદ: અમદાવાદ મનપા માટે છેલ્લી ઘડી સુધી મુરતિયા નક્કી ન થતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.
  • રાજકોટમાં દગો: રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિત ખૂંટ છેલ્લી ઘડીએ પક્ષ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.
  • ધોળકાનો બળવો: ધોળકા કોંગ્રેસમાં 36 ઉમેદવારોના મેન્ડેટ પરત સોંપાયા છે અને શહેર પ્રમુખે રાજીનામું ધરી દેતા પક્ષમાં મોટું ભંગાણ પડ્યું છે.
  • RJ આભાની એન્ટ્રી: કોંગ્રેસે રાજકોટમાં જાણીતા આર.જે. આભાને વોર્ડ નં. 10 માંથી ટિકિટ આપી ગ્લેમર સામે ગ્લેમરનો જવાબ આપવા પ્રયાસ કર્યો છે.
    ચૂંટણી પહેલા જ ભાજપનો વિજયધ્વજ !
    મતદાન પહેલા જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે:
  • નવસારી: જિલ્લા પંચાયતની 3 અને ગણદેવી તાલુકાની 6 બેઠકો પર કેસરિયો લહેરાયો.
  • તાપી: વ્યારા વોર્ડ નં. 5 માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ.
  • અન્ય જીત: ખેડા, પાટણ અને કચ્છના નખત્રાણામાં પણ અનેક બેઠકો પર વિપક્ષના ઉમેદવારો ન મળતા ભાજપની વન-વે જીત થઈ છે.
    આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામ જાહેર થશે, પરંતુ આજના આ ઉલટફેરે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ રસાકસીભર્યું બનશે.

Most Popular

To Top