Columns

એક ‘ઠાકરે’ હતા!

એ માણસે કોઈ દિવસ સરકારમાં કોઈ પદ લીધું નહોતું, તેમણે ક્યારેય ચૂંટણી લડી નહોતી, આવા તો કેટલાય રાજકીય ઝટકાઓ તેઓ રમતાં રમતાં પચાવી જતા હતા. તેમને તો દગો આપનારા એકદમ નિકટના લોકો હતા. છતાં કોઈની મદદ લીધા વિના એક- એક પડકારોને દરકિનારે કરી દીધા હતા. આખરી દમ તક ‘દમ’ હતો તેમનામાં. સત્તામાં ન હોવા છતાં રિમોટ કન્ટ્રોલ તેમની પાસે રહેતું હતું. 2012 સુધી તેઓ જીવતા હતાં ત્યાં સુધી તેમનું મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ પર પ્રભુત્વ હતું.

શિવસેનાના સર્વેસર્વા હતા. બાળા ઠાકરે નામ જ કાફી હતું. ધક્કા ઘણા લાગ્યા પણ શિવસેનાને તૂટવા દીધી નહોતી. આજે શિવસેના આંતરકલહની આગમાં સળગી રહી છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં પાર્ટીના ધારાસભ્યોએ બળવાનું બ્યુગલ ફૂંક્યું છે. આ પહેલી વાર નથી જ્યારે શિવસેનામાં ભાગલા પડ્યા હોય. આ પહેલાં પણ શિવસેના ઘણી વખત કલહનો સામનો કરી ચૂકી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે પક્ષને બચાવવાનો જે પડકાર ઊભો થયો, એવા જ પડકારોનો સામનો બાળા ઠાકરેએ એક વાર નહીં, ઘણી વાર કર્યો હતો. બાળા ઠાકરેના નજીકના નેતાઓમાંના એક ગણાતાં છગન ભુજબળે વર્ષ 1991માં શિવસેનામાં બળવો જગાવ્યો હતો. ભુજબળના નેતૃત્વમાં 18 ધારાસભ્યોએ શિવસેના – B નામની પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. પાર્ટીની સ્થાપના પછી આ પ્રથમ વખત હતું, જ્યારે કોઈએ બાળા ઠાકરે સામે બળવો કરવાની હિંમત કરી હતી.

ભુજબળના બળવા પછી બાળા ઠાકરેએ તેમને દેશદ્રોહી જાહેર કર્યા અને તેમને ‘લાખોબા’ કહીને ચીડવવાનું શરૂ કર્યું હતું. ‘લાખોબા’ એક મરાઠી નાટકનું પાત્ર છે, જે દેશદ્રોહી તરીકે કામ કરે છે. આ સાથે બાળાસાહેબ પણ ભુજબળને પાઠ ભણાવવા માગતા હતા. બાળાસાહેબને આ તક 1997માં મળી હતી. રાજ્યમાં શિવસેના – BJPની સરકાર હતી. 13 જુલાઈની સવારે સેંકડો શિવસૈનિકોએ ભુજબળના બંગલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભુજબળનો જીવ બચી ગયો હતો. બાળા ઠાકરેએ આ હુમલાને સમર્થન આપતાં કહ્યું હતું કે ભુજબળના ઉશ્કેરણીજનક ભાષણને કારણે તેમના શિવસૈનિકો ઉશ્કેરાઈ ગયા હતા. ભુજબળ પરના હુમલા બાદ શિવસેનામાં એક મજબૂત સંદેશ ગયો કે – બાળાસાહેબ તેમના દુશ્મનોને ભૂલતા નથી. અલબત્ત, 30 વર્ષ પહેલાં શિવસેનાના અસ્તિત્વ સામે ઊભા થયેલા સંકટમાંથી ઉદ્ધવ ઠાકરેના પિતા બાળાસાહેબ ઠાકરેએ પાર્ટીને બહાર કાઢી હતી.

વાસ્તવમાં 1992માં માધવ દેશપાંડેએ બાળા ઠાકરે અને તેમની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સાથે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પર પાર્ટીમાં વધુ દખલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી બાળા ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનામાં એવો એડિટોરિયલ લખ્યો, જેનાથી સમગ્ર પક્ષ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો.

આ એડિટોરિયલમાં બાળા ઠાકરેએ લખ્યું હતું કે જો કોઈ શિવસૈનિક તેમની સામે આવીને કહે કે તેણે ઠાકરે પરિવારના કારણે પાર્ટી છોડી છે તો તે અધ્યક્ષપદ છોડી દેશે. આ સાથે તેમનો આખો પરિવાર શિવસેનાથી કાયમ માટે અલગ થઈ જશે. બાળા ઠાકરેની આ જાહેરાત બાદ સમગ્ર પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. વિરોધની તમામ ફરિયાદોને બાજુ પર રાખીને પાર્ટીમાં બાળાસાહેબની આવી ચેલેન્જને વધાવી લેવામાં આવી હતી. સ્થિતિ એવી બની ગઈ હતી કે કેટલાક શિવસૈનિકોએ બાળાસાહેબ પાર્ટી છોડે તો આ મામલે આત્મવિલોપનની ચેતવણી પણ આપી હતી. આ એક ઘટના પછી જ્યાં સુધી બાળાસાહેબ રહ્યા ત્યાં સુધી પાર્ટીમાં કોઈએ તેમની સામે અવાજ ઉઠાવ્યો નહોતો. કોઈએ તેમની સામે બળવાખોર વલણ દાખવવાની હિંમત કરી નહોતી.

જો કે વર્ષ 2005 શિવસેના માટે તેના ઇતિહાસના 2 મોટા ઝટકા સહન કર્યા હતા. વર્ષ 2005માં ફરી શિવસેનાને એક પછી એક બે મોટા આંચકાઓ લાગ્યા હતા. બાળા ઠાકરેના સૌથી વિશ્વાસુ કહેવાતા નારાયણ રાણે પોતાના 10 સમર્થક ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. હજુ તો શિવસેના આ ઝટકામાંથી બહાર આવે એ પહેલાં જ પાછળ પાછળ પારિવારિક મતભેદોના કારણે બાળા ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ શિવસેના છોડી દીધી હતી. એ વખતે રાજ ઠાકરેએ એવું કહ્યું હતું કે તેમની લડાઈ શિવસેનાના નેતૃત્વ સાથે નથી પરંતુ પાર્ટીના નેતૃત્વની આસપાસના અન્ય લોકો સાથે છે. શિવસેનાના 2 મોટા નેતાઓએ પાર્ટી છોડ્યા બાદ પાર્ટી પર ફરી એક મોટું સંકટ તોળાઈ રહ્યું હતું. ઉદ્ધવ ઠાકરે કાર્યકારી પ્રમુખ હોવા છતાં બાળા ઠાકરેએ પક્ષને સંભાળવાનું કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે માત્ર પુત્રમાં જ નહીં શિવસૈનિકોમાં વિશ્વાસ જાળવી રાખ્યો હતો.

રાજકીય વિશ્લેષકોના મતે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની છબી પિતા બાળા ઠાકરે જેટલી જાદુઈ નથી. ઉપરાંત સત્તામાં બેસીને ઉદ્ધવે ઠાકરે પરિવારનો સત્તાથી દૂર રહેવાનો નૈતિક સંદેશ પણ ખતમ કરી નાખ્યો હતો. આ કારણે શિવસૈનિકોમાં ઠાકરે પરિવારનો તે દરજ્જો હવે રહ્યો નહીં, જે બાળાસાહેબના જમાનામાં હતો. બાળા ઠાકરેએ ધાર્યું હોત તો વિધાનસભા જ નહીં, લોકસભાની ચૂંટણી પણ લડી શક્યા હોત પણ તેમણે પોતાની દૃઢતા અને વિચારધારાને ક્યારેય છોડી નહોતી. બાળા ઠાકરેની ઇમેજ એવી હતી કે સત્તા માટે તેમને ચૂંટણી લડવાની જરૂર નહોતી.

અહીં ઉદ્ધવ માટે પિતા જેવી સિચ્યુએશન એટલે રહી નથી કે ઉદ્ધવ ઠાકરે આજે સીધી રાજનીતિમાં છે. બાળ ઠાકરે હતા ત્યાં સુધી એવો વટ હતો કે ઠાકરે પરિવારને સત્તાની લાલસા નથી. આ સ્થિતિમાં આસમાન – જમીન જેટલો તફાવત આજે છે કારણ કે આજે જે કાંઈ સ્થિતિમાં શિવસેના મુકાઈ છે, તેની પાછળ ઠાકરે પરિવારની સત્તા લાલસા કારણભૂત છે. વ્યવસાયે કાર્ટૂનિસ્ટ બાળા ઠાકરે મુંબઈના એક અખબાર ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કામ કરતા હતા. જો કે તેમણે નોકરી છોડી દીધી હતી. બાળ ઠાકરેએ વર્ષ 1966માં શિવસેના બનાવી હતી. કારણ હતું – ‘મરાઠી માણૂસ’ને નોકરીમાં પ્રાયોરિટી આપવામાં નહોતી આવતી. તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે મુંબઈમાં નોકરીઓ મળતી નહોતી અને બાળા ઠાકરેનો દાવો હતો કે મુંબઈમાં દક્ષિણ ભારતીય લોકો મરાઠીઓની નોકરીઓ છીનવી રહ્યા છે. તેમણે મરાઠી બોલનારા સ્થાનિક લોકોને નોકરીમાં મહત્ત્વ આપવાની માગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી.

બાળા ઠાકરે એવું કહેતા – ‘હું રાજકારણમાં હિંસા અને બળનો ઉપયોગ કરીશ કેમ કે ડાબેરીઓને એ જ ભાષા ખબર પડે છે. કેટલાક લોકોને હિંસાનો ડર બતાવવો જોઈએ, ત્યારે જ તેઓ પાઠ ભણશે.’ આજે ઉદ્ધવની શિવસેનાએ તેમની પાર્ટીના જ બળવાખોર ધારાસભ્યોને ચીમકી આપતા બાળા ઠાકરેની આ જ લાઈન લીધી છે. પહેલા ઉદ્ધવે એવું કહ્યું કે કોઈને મારી સામે વાંધો હોય, મારા CM પદ સામે વાંધો હોય તો મારી સામે આવે અને કહે. હું પદ છોડવા તૈયાર છું. આવું કહી ઉદ્ધવે મહારાષ્ટ્રના CMનું સત્તાવાર આવાસ ‘વર્ષા’ ખાલી પણ કરી નાખ્યું હતું.

મુંબઈના રાજકારણમાં બહાર રહીને મોટું માથું ગણાતા બાળા ઠાકરે મુંબઈ આવીને વસેલા ઉત્તર ભારતીયો માટે આકરા વેણ ઉચ્ચારવા માટે જાણીતા હતા. માયાનગરી મુંબઈને પોતાનો ગઢ બનાવી બાળા ઠાકરે પોતાના ચર્ચાસ્પદ નિવેદનોને કારણે લોકોનું ધ્યાન હંમેશા આકર્ષિત કર્યું હતું. શિવસેનાનો પાયો મૂળ દક્ષિણ ભારતીયો વિરુદ્ધના આંદોલનોથી નાખ્યો પણ ઉત્તર પ્રદેશ અને બિહારથી આવીને મુંબઈમાં વસેલા લોકો માટે પણ બાળા ઠાકરેએ વારંવાર આકરા નિવેદન કર્યાં હતાં. તેમણે ઘણી વખત UP – બિહારથી કામની શોધમાં મુંબઈ આવતા લોકો પર આકરા વેણ ઉચ્ચાર્યાં છે. બાળા ઠાકરેના સમયમાં UP – બિહારથી આવતા લોકોને એક ખાસ શબ્દ ‘ભૈયા’થી સંબોધવામાં આવતા હતા. મુંબઈ કોની? એ મુદ્દે વારંવાર વિવાદ થતાં માર્ચ 2010માં મહારાષ્ટ્રના રાજ્યપાલ K. શંકર નારાયણે જણાવ્યું હતું કે મુંબઈમાં કોઈ પણ રહી શકે છે. આ અંગે બાળા ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખ્યું હતું – ‘મુંબઈ ધર્મશાળા બની ગઈ છે. બહારથી આવતા લોકોને અટકાવવાની એક માત્ર રીત છે કે પરમિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે.’

બાળા ઠાકરેએ ક્રિકેટના ગોડ સચિન તેંડુલકરને પણ છોડ્યા ન હતા. નવેમ્બર 2009 ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા સ્ટાર ખેલાડી સચિન તેંડુલકરે એવું નિવેદન આપ્યું કે ‘મુંબઈ દરેક ભારતીયની છે.’ સચિને એવું પણ કહ્યું હતું કે મને એ વાત પર ગર્વ છે કે હું મહારાષ્ટ્રીયન છું પણ સૌ પ્રથમ તો હું ભારતીય છું. સચિનના આ નિવેદન પર બાળા ઠાકરેનો પીત્તો ગયો હતો. તેમણે સચિનની ઝાટકણી કાઢી નાખી હતી. બાળ ઠાકરેએ કહ્યું હતું કે, ‘જ્યારે તમે 4 કે 6 રન ફટકારો છો ત્યારે લોકો તમારી પ્રશંસા કરે છે, પણ જો તમે મરાઠીઓના અધિકારોનું ઉલ્લંઘન કરશો કે પછી તેના પર ટીકા – ટિપ્પણી કરશો તો મરાઠી માણસની લાગણી દુભાશે અને તે આ સાંખી નહીં લે.’ એ પછી સચિને બાળાસાહેબને તેમના ઘરે મળવા જવું પડ્યું હતું. ત્યારે બાળા ઠાકરેએ સચિને ક્રિકેટની આડ લઈ રાજકારણ ના રમવું જોઈએ એવી શિખામણ પણ આપી દીધી હતી.

આ રીતે એક વખત બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાન પણ બાળ ઠાકરેના હાથે ચડી ગયા હતા. પાકિસ્તાનના ક્રિક્રેટ ખેલાડીઓને ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’માં સામેલ કરવાની વાત ઊભી થઈ તો અભિનેતા અને ‘કોલકતા નાઇટ રાઈડર્સ’ના સહમાલિક શાહરૂખ ખાને આ વાતનું સમર્થન કર્યું હતું. આ વાત બાળ ઠાકરેને કઠી ગઈ હતી. બાળ ઠાકરેએ શાહરૂખ ખાનની ઝાટકણી કાઢી નાખી હતી. તે વખતે બાળ ઠાકરેએ કહ્યું હતું કે, ‘શાહરૂખ ખાનને ‘નિશાન – એ -પાકિસ્તાન’થી બિરદાવવા જોઈએ.’ બાળા ઠાકરે IPLના વિરોધી હતા. તેમણે વર્ષ 2010માં ક્રિક્રેટને બચાવવાના નામે ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ પર પ્રતિબંધ લગાડવવાની માગ કરી હતી. બાળ ઠાકરેએ એક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે IPL કમિશનર લલિત મોદી અને કેન્દ્રના પૂર્વ મંત્રી શશી થરૂરે ક્રિક્રેટની ‘જેન્ટલમેન્સ ગેમ’ની ઇમેજને નુક્સાન પહોંચાડ્યું છે. IPL પર પ્રતિબંધ લગાવીને જ ક્રિક્રેટને બચાવી શકાય તેમ છે.

Most Popular

To Top