National

PM મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ (US President) જો બિડેનના આમંત્રણ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 21 જૂનથી 23 જૂન સુધી અમેરિકાની (America) સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી 6 વખત અમેરિકા જઈ ચૂક્યા છે, પરંતુ આ પીએમ મોદીની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. બિડેન અને નરેન્દ્ર મોદીની આ મુલાકાત બંને દેશો માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યાં છે ત્યારે તે પહેલા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ તેમનો શિડ્યુલ જાહેર કરી દીધો છે. ક્વાત્રાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેનના આમંત્રણ પર 21-24 જૂન દરમિયાન અમેરિકાની મુલાકાતે આવશે. તેમણે કહ્યું કે આ દરમિયાન જે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે તે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ હશે. જ્યારે 24-25 જૂને વડાપ્રધાન મોદી ઈજિપ્તની મુલાકાત લેશે.

21 જૂન
વડાપ્રધાન મોદીનો પ્રવાસ 21 જૂને સવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે શરૂ થશે. આ કાર્યક્રમ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિશ્વને ભારતીય પરંપરાઓ વિશે સંદેશ આપશે. વડાપ્રધાન ન્યૂયોર્કમાં કેટલાક વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓને પણ મળશે. આ કાર્યક્રમ પછી પીએમ મોદી વોશિંગ્ટન માટે રવાના થશે. PM મોદી 21 જૂને જ વોશિંગ્ટનમાં ‘સ્કેલિંગ ફોર ફ્યુચર’ પર આધારિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. એવું અનુમાન છે કે 21મી જૂને જ અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે ખાનગી મુલાકાત પણ થશે.

22 જૂન
વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત 22 જૂને કરવામાં આવશે. આ પછી બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષીય બેઠક થશે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ અને ટેક્નોલોજી અને કેટલાક મુખ્ય કરારો પર ચર્ચા થવાની અપેક્ષા છે. પીએમ મોદી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થી અને સંસદના બહુમતી નેતા ચક શૂમર સહિત કોંગ્રેસના નેતાઓના આમંત્રણ પર યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. કાર્યક્રમ પછી બિડેન અને ફર્સ્ટ લેડી જીલ સાંજે મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.

23 જૂન
વડાપ્રધાન મોદી 23 જૂને કેટલીક કંપનીઓના સીઈઓને મળશે. આ પછી વડાપ્રધાન મોદી કેનેડી સેન્ટર ખાતે એક કાર્યક્રમમાં અગ્રણી પ્રોફેશનલ લોકોને મળશે. કેનેડી સેન્ટર ખાતે કાર્યક્રમ બાદ વડાપ્રધાન સમુદાયના નેતાઓને મળશે.

24-25 જૂન
વડાપ્રધાન મોદી 24-25 જૂને ઈજિપ્તની મુલાકાતે જશે. પીએમની આ પ્રથમ ઇજિપ્તની મુલાકાત હશે. 1997 પછી ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત હશે.

Most Popular

To Top