Gujarat

હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત

ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને લઈને રાજ્ય સરકારે વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પાટીદાર નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮માં નોંધાયેલ કેસ હવે સરકાર પરત ખેંચવાની તૈયારી કરી રહી છે. આ અંગે અમદાવાદ કલેક્ટરે જિલ્લા સરકારી વકીલને સત્તાવાર પત્ર લખીને કાનૂની પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે.

શું હતો સમગ્ર મામલો ?

વર્ષ ૨૦૧૮માં પાટીદાર અનામતની માંગ સાથે નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ અને અન્ય આગેવાનોએ પ્રતીક ઉપવાસ અને ધરણાનું આયોજન કર્યું હતું.

  • પરવાનગી વિના ધરણા કરવા અને લોકોને ઉશ્કેરવા બદલ ગુનો નોંધાયો હતો.
  • પોલીસ કર્મચારીઓ સામે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવાના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા.

* હાલમાં આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વિચારાધીન છે, જ્યાં અગાઉ હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

કલેક્ટરનો સરકારી ધારાશાસ્ત્રીને પત્ર

અમદાવાદ કલેક્ટરે જિલ્લા સરકારી વકીલને પત્ર લખીને સરકારના આ નિર્ણયથી વાકેફ કર્યા છે. કાનૂની પ્રક્રિયા મુજબ, (1) સરકારી વકીલની અરજી: હવે સરકારી વકીલ કોર્ટમાં આ કેસ પરત ખેંચવા માટે અરજી કરશે.(2) કોર્ટનો આખરી નિર્ણય: સરકારના નિર્ણય છતાં, કેસ પરત લેવા માટે કોર્ટની મંજૂરી અનિવાર્ય છે. કોર્ટ પુરાવા, કેસની ગંભીરતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને અંતિમ મંજૂરી આપશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લાંબા સમયથી પાટીદાર સમાજ દ્વારા આંદોલનકારીઓ સામેના કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. હાર્દિક પટેલ હવે પોતે ભાજપના ધારાસભ્ય છે, ત્યારે આ નિર્ણયથી તેમને મોટી કાનૂની રાહત મળી શકે છે. રાજકીય વર્તુળોમાં આને પાટીદાર સમાજ સાથે સમાધાન સાધવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top