Business

વાઘના જતન-સંવર્ધન માટે કુનેહપૂર્વકના પ્રયાસો જરૂરી છે

હાલ થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવાઇ ગયો. તે ટાણે જાહેર થયેલા એક અહેવાલમાં ધ્યાન ખેંચનારી એક બાબત એ બહાર આવી છે કે છેલ્લા ચારેક વર્ષમાં ભારતમાં જેટલા વાઘના મોત થયા છે તેમાંથી પ૦ ટકા કરતા પણ વધુ વાઘના મૃત્યુઓ તો તેમના રક્ષિત વિસ્તારોની બહાર થયા છે. ભારતમાં વાઘની સંખ્યા વધી છે તે આનંદની વાત છે પરંતુ વાઘ અને માણસ વચ્ચે સંઘર્ષ પણ વધ્યો છે તે એક ચિંતાની બાબત છે. ભારતમાં ૨૦૨૧થી અત્યાર સુધીમાં જેટલા વાઘોના મોત થયા છે તેમાંથી અડધા કરતા વધુ વાઘના મોત તેમના રક્ષિત વન વિસ્તારની બહાર થયા છે એક સરકારી આંકડાના કરવામાં આવેલા એક વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે.

નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ના ડેટા દર્શાવે છે કે 2021થી ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં  667 વાઘ મૃત્યુ પામ્યા છે, અને આમાંથી  341, અથવા 51 ટકા, વાઘ અભયારણ્યની બહાર મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્રમાં આવા મૃત્યુની સૌથી વધુ સંખ્યા 111 નોંધાઈ હતી, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 90 મૃત્યુ થયા હતા. આ ડેટા 2021માં 129 વાઘના મૃત્યુ, 2022 માં 122, 2023 માં 182, 2024 માં 126 અને 2025 માં અત્યાર સુધીમાં 108 વાઘના મૃત્યુ થયા હોવાનું દર્શાવે છે. રક્ષિત વિસ્તારની બહાર વાઘનું મોત થાય તે મોટેભાગે તો માણસ સાથેના સંઘર્ષને કારણે જ થયું હોવાની શંકા જાય તે સ્વાભાવિક છે.

ભારતાં હાલ લગભગ 3,682 વાઘ છે. ભારત અભયારણ્યની બહાર આ મોટી બિલાડીઓના રક્ષણ બાબતના પડકારનો સામનો કરી રહ્યું છે, જ્યાં લગભગ 30 ટકા વસ્તી રહે છે. આને હાથ ધરવા માટે, સરકાર માનવ-વાઘ સંઘર્ષ ઘટાડવા માટે 17 રાજ્યોમાં 80 વન વિભાગોને આવરી લેતા ટાઇગર્સ આઉટસાઇડ ટાઇગર રિઝર્વ (TOTR) પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે. ભારતમાં માનવ-પ્રાણી સંઘર્ષ એક વધતી જતી સમસ્યા છે જેમાં માનવ અને વન્યજીવન વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓની સંખ્યા વધી રહી છે, જેના પરિણામે ઘણીવાર જાનહાનિ, મિલકતને નુકસાન અને પર્યાવરણીય વિક્ષેપ થાય છે. શહેરીકરણ અને કૃષિને કારણે રહેઠાણનું નુકસાન, સંસાધનો માટેની સ્પર્ધા અને જાગૃતિનો અભાવ મુખ્ય ફાળો આપતા પરિબળો છે. જે રાજ્યોમાં જંગલોમાં વાઘના વસવાટના વિસ્તારો છે ત્યાં દેખીતી રીતે રાજ્યોમાં માણસ સાથે વાઘના સંઘર્ષના બનાવો વધુ બને છે.

ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામ જેવા રાજ્યોમાં, વાઘ પશુધનનો શિકાર કરે છે અને ક્યારેક ક્યારેક માણસો પર હુમલો કરે છે. આને કારણે ઘણા લોકો વાઘ અને તેમના જેવા અન્ય જંગલી પશુઓને ધિક્કારતા થઇ જાય છે અને આ પશુઓના જતન સંવર્ધનના પ્રયાસો સામે પ્રશ્નો ઉઠાવે છે. પરંતુ આ પશુઓનું રક્ષણ જરૂરી છે. ફક્ત એક ભવ્ય પશુ તરીકે તેમને નિહાળવા માટે નહીં પણ પર્યાવરણીય કડી તરીકે પણ તેમનું અસ્તિત્વ જળવાઇ રહે તે જરૂરી છે. વાઘના મહત્વના વસવાટોના વિસ્તારમાં આવેલા ગામડાઓ બીજે ખસેડવાના પ્રયાસોની પણ વિચારણા છે. આ યોજના જો કે ઘણાને કઠે તેવી છે અને તેમાં યોગ્ય સમજાવટથી કામ લેવાય તે જરૂરી છે.

જે રાજ્યોમાં વાઘના રક્ષિત વિસ્તારો છે ત્યાં વાઘ કેટલીક વખત પોતાના અભયારણ્યમાંથી બહાર નિકળી જાય અને માણસો પર  અને તેમના પાળેલા પશુઓ પર હુમલા કરે અને તેથી માણસ અને વાઘ વચ્ચેનો સંઘર્ષ સર્જાય છે. આવા હુમલાઓ કરતા વાઘો પર માણસ વળતા હુમલા કરે છે અને તેમને મોતને ઘાટ પણ કેટલીક વખત ઉતારે છે. ભારતમાં આમ તો લાંબા સમયથી ચામડા, નખ વગેરે માટે પણ વાઘનો શિકાર થતો આવ્યો છે અને તેને કારણે વાઘની સંખ્યા ઘણી ઘટી ગઇ. પછી વાઘ રાષ્ટ્રીય પ્રાણી અને રક્ષિત પ્રાણી જાહેર થયું, તેના શિકાર બદલ સજાની જોગવાઇ આવી, એટલે તેનો શિકાર થવાનુ઼ં ઘણુ ઘટી ગયું. પરંતુ હાલ માણસ સાથે તેના સંઘર્ષની સમસ્યા વધી છે. આ સંજોગો વચ્ચે માણસોની સાથે તેનો સંઘર્ષ ટાળવાના પ્રયાસો સાથે વાઘના જતન અને સંવર્ધન માટે કુનેહપૂર્વકના પ્રયાસો જરૂરી છે.

Most Popular

To Top