અમદાવાદ,તા.29
પીએમ નરેન્દ્ર મોદીની આગામી ૩૧ માર્ચની ગુજરાત મુલાકાત પૂર્વે ટેકનિકલ શિક્ષણ વિભાગના એક આદેશને પગલે નવો વિવાદ છેડાયો છે. રાજ્યની સરકારી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના કાર્યક્રમમાં ફરજિયાત હાજર રાખવાની સૂચના આપવામાં આવતા ગુજરાત કોગ્રેસે સખ્ત વિરોધ વ્યકત્ત કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, જ્યારે પણ વડાપ્રધાન કે ભાજપના મોટા કાર્યક્રમો હોય છે, ત્યારે શાળાઓ અને કોલેજોમાંથી શિક્ષકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ભીડ ભેગી કરવા માટે ‘માનવબળ’ તરીકે વાપરવામાં આવે છે. કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ૧૬ ઈજનેરી અને ૨૬ પોલિટેકનિક કોલેજોને ૧૦૦થી ૨૫૦ વિદ્યાર્થીઓ લાવવા માટે આદેશ અપાયો છે. આ માટે ગૂગલ ફોર્મ ભરાવીને અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સંખ્યા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
ડૉ. દોશીએ સવાલ ઉઠાવ્યો છે કે જો ભાવિ એન્જિનિયરોને ભણાવવાને બદલે આવી રીતે ઇવેન્ટ મેનેજમેન્ટમાં જ રોકવામાં આવશે, તો ગુજરાતને સક્ષમ ટેકનિકલ માનવબળ કેવી રીતે મળશે ? કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એક તરફ વિદ્યાર્થીઓને કાર્યક્રમોમાં હાજર રહેવા આદેશ કરાય છે, પરંતુ લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી નથી.
- ખાલી જગ્યાઓ: સરકારી ઈજનેરી અને ડિપ્લોમા કોલેજોમાં અધ્યાપકોની ૫૪% થી ૬૪% જગ્યાઓ ખાલી છે.
- વર્ગ-૩ અને ૪ની ઘટ: લેબ આસિસ્ટન્ટ, લાઈબ્રેરિયન અને સપોર્ટિંગ સ્ટાફની ૬૪% થી ૭૪% જગ્યાઓ ખાલી હોવાને કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ મેળવી શકતા નથી.
- મધ્યમ વર્ગ સાથે અન્યાય: ઓછી ફીમાં અભ્યાસ કરવા માંગતા સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને પૂરતા અધ્યાપકો ન આપીને સરકાર તેમના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી હોવાનું પ્રવક્તાએ કહયું હતું.