ગુજરાતમાં ‘નાટક દ્વારા શિક્ષણ’ : સુરતના નાટય અને શિક્ષણક્ષેત્ર માટે ગૌરવપ્રદ ઘટના – Gujaratmitra Daily Newspaper

uncategorized

ગુજરાતમાં ‘નાટક દ્વારા શિક્ષણ’ : સુરતના નાટય અને શિક્ષણક્ષેત્ર માટે ગૌરવપ્રદ ઘટના

વાત ઇ.સ. 1994ની. સુરતની સાર્થક રંગમંચ સંસ્થા અને જીવનભારતી શાળાએ ઉનાળાની રજાઓમાં (મે-જૂનમાં) 5 થી 7 અને 8 થી 12 વર્ષનાં બાળકો માટે 15 દિવસના બાળનાટય શિબિરનો પ્રારંભ કર્યો. શિબિરના સમાપન ટાણે શ્રી માર્કંડ ભટ્ટના અતિથિવિશેષ પદે ત્રણ નાટકો ભજવાયાં. ઓગસ્ટ 1994 થી જૂન 1995 માટે દર શનિ-રવિ બાળનાટય શાળા શરૂ કરવામાં આવી. તેમાં મેથી જૂન દરમિયાન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એન.એસ.ડી.) – નવી દિલ્હીના સહકારથી એક મહિનાનો નાટય નિર્માણલક્ષી શિબિર યોજવામાં આવ્યો. (આભાર તત્કાલીન નિયામક ડો. કીર્તિ અને તેમના પિતા નેમિચંદ્ર જૈનનો જેમના સહકાર વિના શકય બન્યો ન હોત.) તે પછી બાળનાટય પ્રવૃત્તિ થતી રહી. જુદી જુદી સંસ્થાઓ દ્વારા – વાતાવરણ ઘડાયું હતું એટલે. તે બાળનાટય પ્રવૃત્તિનો પહેલો તબકકો હતો.

તે પછીના તબકકામાં સુરતની સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત વી.ટી. ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજયુકેશને વર્ષ 2008 માં એન.એસ.ડી. ને તેના વિસ્તરણ વિભાગ દ્વારા થિયેટર ઇન એજયુકેશન (ટાઇ)ના કાર્યક્રમો યોજવા માટેની દરખાસ્ત મોકલી. તેને કારણે શાળા – કોલેજમાં આ પ્રવૃત્તિ કરતા અધ્યાપક ડો. વિજય સેવકને 2010 થી 2013 દરમિયાન એન.એસ.ડી. ના ટાઇ એકમના લાંબા ગાળાના શિબિરો, ઉત્સવો અને પરિસંવાદોમાં કાર્ય કરવાની તક મળી. આ સમય દરમિયાન વર્ષ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી), ગાંધીનગર કોલેજે સૂચવેલા છ વર્ષીય ‘પ્રોજેકટ ટાઇ’ માટે સંમતિ આપી. તેથી વર્ષ 2013 થી 2019 દરમિયાન સુરત શહેરના શિક્ષકો માટે થીએટર ઇન એજયુકેશન અને ડ્રામા ઇન એજયુકેશન (ટાઇ એન્ડ ડાઇ) નાં વિવિધ પાસાં ઉપર છ વર્ષ દરમિયાન ત્રણથી પાંચ દિવસના ૫૦ કરતાં પણ વધુ કાર્યશિબિરો અને ઉત્સવો યોજાયાં.

આ પ્રોજેકટ દરમિયાન નાટય દ્વારા શિક્ષણ અભ્યાસક્રમ સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં નાટયક્ષેત્રનાં ડો. કીર્તિ જૈન, ડો. મોહન આગાશે, ડો. મહેશ ચંપકલાલ, શિક્ષણ ક્ષેત્રના ડો. ભદ્રાયુ વછરાજાની, ડો. મહેશ યાજ્ઞિક, ડો. સુલભા નટરાજ, સંશોધન ક્ષેત્રના ડો. સતીષ શુકલ અને શિક્ષણ – નાટય ક્ષેત્રના સંયોજક ડો. વિજય સેવકનો સમાવેશ થતો હતો. પ્રોજેકટ ટાઇના સમાપન વેળા યોજાયેલા રાજયકક્ષાના ત્રિદિવસીય ઉત્સવ ‘ગ્લિમસીઝ ઓફ ટાઇ’ દરમિયાન આ સમિતિના સભ્યોએ એક સેમિનાર અને બે બેઠકો કરીને ‘નાટય દ્વારા શિક્ષણ’ વિષય અંગેના પાઠયક્રમની રૂપરેખા તૈયાર કરી હતી અને તે અંગેનો અભ્યાસક્રમ જીસીઇઆરટી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચર એજયુકેશન (આઇઆઇટીઇ), ગાંધીનગર દ્વારા શરૂ કરવાનું સૂચવ્યું હતું.

આનંદની વાત એ બની કે આઇઆઇટીઇએ શરૂ કરવા ધારેલા 51 ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સીઝમાં ‘ડ્રામા ઇન એજયુકેશન (નાટક દ્વારા શિક્ષણ)’ નો સમાવેશ થયો. આ ગવર્મેન્ટ ટીચર એજયુકેશન યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલો કોર્સ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આ નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સમાં કોઇ પણ શિક્ષક કે અધ્યાપક, તાલીમાર્થી કે ધો. 12 પાસ કરેલો કોઇ પણ વિદ્યાર્થી ભાગ લઇ શકે છે. કોર્સ પૂર્ણ થયે અને તેની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. કોર્સના વિષયવસ્તુમાં નાટક અને શિક્ષણનાં અધ્યયન – અધ્યાપનનાં ઘણાં પાસાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. તા. 23 જુલાઇ 2020 થી શરૂ થયેલા આ કોર્સનો પ્રારંભ વિવિધ પ્રકારના ‘પ્લે’ – શારીરિક, માનસિક અને મનો-શારીરિક રમતો અને શિક્ષણમાં તેના વિનિયોગથી થયો. ‘નાટક દ્વારા શિક્ષણ (ડાઇ) મનો-શારીરિક અધ્યયન (ક્રાઇનેસ્થેટિક લર્નિંગ) છે. ‘ડ્રામા ઇન એજયુકેશન’ વિષય પરનો કોઇ યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલો ભારતનો આ પ્રથમ કોર્સ છે.

‘થીએટર ઇન એજયુકેશન’ કોર્સ માટે કુલ પાંચ મોડયુલ અને દરેક મોડયુલમાં જરૂરિયાત મુજબ ત્રીસ – ત્રીસ મિનિટના ત્રણથી પાંચ એપિસોડ તૈયાર કરવાના હતા અને કાર્ય શરૂ થયું જીસીઇઆરટી તથા ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એન્ડ જીઓમેટ્રિકસ (બાઇસેગ) ગાંધીનગર ખાતે. પહેલા મોડયુલના પાંચ એપિસોડ્‌ઝ તૈયાર થયા એટલે કોર્સ શરૂ થયાની જાહેરાત કરવામાં આવી. બીજા મોડયુલનું કાર્ય ચાલુ છે.

નાટય દ્વારા શિક્ષણ એટલે કે ‘થીએટર ઇન એજયુકેશન’ કોર્સના પહેલા મોડયુલમાં નાટય અને શિક્ષણની સંકલ્પના, તેના પાયારૂપ સિદ્ધાંતો અને તેના ઇતિહાસનો નિદર્શન સહિત સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિદર્શનોમાં નાટય દ્વારા શિક્ષણની પ્રયુકિતઓનો વિનિયોગ કરવામાં આવ્યો છે. તેથી તે પ્રવૃત્તિસભર અને રસપ્રદ બને છે. કયારેક તેમાં વિદ્યાર્થી – દર્શકને પણ પ્રવૃત્તિ કરવાનું કહેવામાં આવે છે. આ રીતે દર્શક – વિદ્યાર્થી પણ સક્રિય – અધ્યેતા બને છે અને તેને મજા પડે છે. આ જોતાં – સાંભળતાં – કાર્ય કરતાં ભણવાનો અને ભણતાં – ભણતાં મઝઝા કરવાનો કોર્સ છે. એ જ તો ‘થીએટર ઇન એજયુકેશન’નો સિદ્ધાંત છે.

રમતાં-રમતાં ભણો
અને ભણતાં-ભણતાં રમો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top