Editorial

મ્યાનમારમાં લશ્કરી બળવો: માંડ સ્થિર થયેલી લોકશાહીના લીરે લીરા

સોમવારે ભારતમાં સામાન્ય બજેટ રજૂ થવાનું હતું તે જ સમયે પાડોશી દેશ મ્યાનમારમાં એક મોટી ઘટના બની ગઇ. એક સમયે બર્મા તરીકે ઓળખાતા આ દેશમાં લશ્કરે વહેલી સવારે બળવો કરીને નવી ચૂંટાયેલી સરકારના હોદ્દેદારોને કેદ પકડ્યાં અને એક વર્ષ માટે દેશમાં કટોકટી જાહેર કરીને તે સમયગાળા દરમ્યાન શાસન લશ્કરના હાથમાં રહેશે એમ જાહેર કર્યું. અને લશ્કર હાલ ભલે એક વર્ષની વાત કરતું હોય પણ તે કેટલો સમય સુધી સત્તા પર ચોંટી રહે તે બાબત વિશ્વભરના લોકશાહી ચાહકોને ચિંતા કરાવી રહી છે. મ્યાનમારમાં લશ્કરે આ બળવો કરવા પાછળ એવું કારણ આપ્યું છે કે ગત વર્ષના નવેમ્બરમાં દેશમાં કોરોનાવાયરસના રોગચાળાને અવગણીને ધરાર ચૂંટણીઓ યોજવામાં આવી અને આ ચૂંટણીમાં શાસકોએ વ્યાપક ગોટાળા કર્યા અને પોતાનું શાસન જળવાઇ રહે તેનો તખ્તો ગોઠવ્યો.

જો કે દક્ષિણ એશિયાના એક જાણકાર વિશ્લેષકના મત મુજબ મ્યાનમારના લશ્કરના આ આક્ષેપો ધડમાથા વિનાના છે અને ટ્રમ્પે અમેરિકાની ચૂંટણીમાં ગોટાળાના જેવા આક્ષેપો કર્યા હતા તે પ્રકારના જ છે! મ્યાનમારમાં લશ્કરે આ સમયે બળવો કેમ કર્યો તે બાબતે જો કે વિશ્લેષકો માથું ખંજવાળી રહ્યા છે. તેમના કહેવા મુજબ મ્યાનમારમાં આ સમયે લશ્કર માટે સત્તામાં રહેવા કરતા સત્તાની બહાર રહીને વધુ લાભો ખાટી શકાય તેવું હતું, ઉલટું હાલમાં સત્તાના સૂત્રો સંભાળવાથી તેને અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ લશ્કરશાહો મોટે ભાગે ભેજાગેપ હોય છે અને મ્યાનમારમાં લાંબો સમય સત્તા પર રહ્યા બાદ છેલ્લા એક દાયકાથી સત્તાથી દૂર રહેલા લશ્કરને સત્તાનો વિરહ સાલતો હોય તેમ પણ બની શકે! નવેમ્બરની ચૂંટણીમાં લશ્કરનો ટેકો ધરાવતો વિરોધપક્ષ જીત્યો નહીં અને આંગ સાન સુ કીની નેતાગીરી હેઠળના નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (એનએલડી) પક્ષને જ બહુમતિ મળી અને કદાચ તેથી લશ્કરનું અહમ ઘવાયું હોય અને તેણે ડી ફેકટો નેતા સુ કી અને પ્રમુખ વિન મ્યાંત સહિતના નેતાઓને નજરકેદ કરી લીધા અને લશ્કરી વડા મિંગ આંગ લાઇંગને દેશના વડા તરીકે ઠઠાડી દીધા હોય તેમ બની શકે.

જાણકારોના કહેવા પ્રમાણે તો સત્તાની બહાર રહીને પણ લશ્કરના તમામ હિતો બહુ સારી રીતે સચવાતા હતા. તેને પુરી સ્વાયત્તતા હતી અને તેના પોતાના આર્થિક અને વ્યાપારી હિતો હતા જે લોકશાહી સરકાર સારી રીતે સાચવતી હતી. પાંચેક દાયકા સુધી શાસન સંભાળ્યા બાદ લોકશાહી માટેની સૂ કીની લાંબી લડત પછી ૨૦૧૧માં પ્રથમ વખત મ્યાનમારમાં લોકશાહી સરકાર સ્થપાઇ અને ૨૦૧૫માં મુક્ત કહી શકાય તેવી ચૂંટણી થઇ અને ત્યારથી સૂ કીનો એનએલડી પક્ષ સત્તા સંભાળી રહ્યો હતો. ફરી ચૂંટાયા બાદ તે શાસન સંભાળવાની તૈયારીમાં જ હતો અને લશ્કરી બળવો આવી પડ્યો. મ્યાનમારના બંધારણ મુજબ સંસદમાં ત્રીજા ભાગની બેઠકો તો લશ્કરને ફાળવવામાં આવે છે! છતાં આખો લાડવો ખાવા માગતું હોય તેમ ધરાર તેણે બળવો કર્યો. જાણકાર વિશ્લેષકો કહે છે કે હવે શાસન સંભાળ્યા બાદ લશ્કર તે જે વિેશેષાધિકારોનો આનંદ ભોગવતુ઼ં હતું તે ભોગવી શકશે નહીં અને ઉલટું તેણે કપરા સંજોગો અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. બળવા પછી મ્યાનમાર પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો આવી શકે છે અને ખુદ લશ્કરના વેપારી હિતો જોખમાઇ શકે છે પણ લશ્કરશાહોને આવી ચિંતા હોતી નથી. વાસ્તવમાં એક વાર પણ શાસન સંભાળી ચુકેલું લશ્કર લોહી ચાખી ચુકેલા વાઘ જેવું બની જાય છે અને તેને વારંવાર બળવો કરવાની ચાનક ચડે છે. આપણા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં કમનસીબે આવી જ
સ્થિતિ છે.

મ્યાનમારમાં બળવો થયો તે ભારત માટે પણ મોટી ચિંતાની વાત છે. મ્યાનમારની રોહિંગ્યા નિરાશ્રીતોની સમસ્યા તો ભારતને પણ ઠીક ઠીક કનડી રહી છે. રોહિંગ્યા મુસ્લિમો પર મ્યાનમારમાં થયેલા અત્યાચારોની બાબતમાં તો નોબેલ વિજેતા સૂ કીના આડકતરા નેતૃત્વ હેઠળની લોકશાહી સરકારનો રેકર્ડ પણ સારો નથી. આ સરકારે લશ્કર અને પોલીસના આ અત્યાચારો બાબતે આંખ આડા કાન કર્યા હતા કે આડકતરો ટેકો આપ્યો હતો અને ખુદ સુ કીએ પણ મીંઢુ મૌન જાળવ્યું હતું. લાખો રોહીંગ્યાઓ નિરાશ્રિત બનીને વિશ્વના વિવિધ દેશોમાં આશરો લઇ રહ્યા છે અને મ્યાનમારની સરકાર તેમને પાછા સ્વીકારવા આનાકાની કરતી આવી છે અને હવે લશ્કરે શાસન સંભાળ્યા બાદ તો બાબતો ઓર મુશ્કેલ બનશે એમ લાગે છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં રોહિંગ્યા નિરાશ્રિતો છે અને મ્યાનમારના લશ્કરી શાસન સાથે કામ પાર પાડવાનું ભારત સરકાર માટે હવે વધુ મુશ્કેલ બનશે એમ લાગે છે. હવે આ લશ્કરી શાસકો મ્યાનમારમાં ક્યાં સુધી સત્તા પર ચોંટી રહે છે કે ચોંટી રહી શકે છે તે જ જોવાનું
રહે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top