Editorial

સીબીઆઈને સ્વાયત્તા આપવાની મદ્રાસ હાઈકોર્ટની સલાહને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લે

જેટલી તપાસ સંસ્થા છે તે તમામને સ્વાયત્તા હોવી જોઈએ. પરંતુ કમનસીબે તેવું થતું નથી. ભારતમાં લોકશાહી છે પરંતુ તેમાં પણ કેટલીક સંસ્થાઓ એવી છે કે જેની પર સંપૂર્ણપણે કબજો કેન્દ્ર સરકારનો છે. સીબીઆઈ આવી જ સંસ્થા છે. અત્યાર સુધીમાં દેશમાં કેન્દ્રમાં જેટલી પણ સરકારો આવી તે તમામ દ્વારા સીબીઆઈનો દુરૂપયોગ જ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની જ્યારે સરકારો હતી ત્યારે સીબીઆઈનો ઉપયોગ વિપક્ષોને ડરાવવા માટે કરવામાં આવ્યો હતો. આ જ રીતે જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે પણ મોદી સરકાર દ્વારા વિપક્ષોને ડરાવવા માટે સીબીઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો.

કોંગ્રેસ કરતાં ભાજપની મોદી સરકાર દ્વારા સીબીઆઈનો દુરૂપયોગ થોડો વધારે કરવામાં આવ્યો અને તેને કારણે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીબીઆઈને ‘સાજીસ બ્યુરો ઓફ ઈન્ડિયા’ એવું નામ પણ આપી દીધું હતું. સીબીઆઈને સ્વતંત્રતા આપવાની માંગ વારંવાર ઉઠી છે પરંતુ આવું થયું નથી. ભારતમાં સીએજી અને ચૂંટણી પંચને સ્વતંત્ર રીતે કામ કરવાની સત્તા છે. જો કે આ બંને સંસ્થાઓ પર પણ કેન્દ્ર સરકાર વર્ચસ્વ ઊભું જ રાખે છે પરંતુ જે રીતે સીબીઆઈ પર કેન્દ્ર સરકારનો દબાવ છે તે તાકીદના ધોરણે દૂર કરવાની જરૂરીયાત છે.

હાલમાં જ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈના મામલે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. મદ્રાસ હાઈકોર્ટની બે જજની બેન્ચએ કહ્યું છે કે, સીબીઆઈ ફક્ત સંસદને જ રિપોર્ટ કરતી સંસ્થા હોવી જોઈએ. એટલે કે તેની પર કેન્દ્ર સરકાર કોઈ જ નિયંત્રણ હોવું જોઈએ નહીં. અગાઉ સુપ્રીમ કોર્ટએ સીબીઆઈને ‘પિંજરે કા તોતા’ ગણાવી હતી. હવે મદ્રાસ હાઈકોર્ટએ ને તેને મુક્ત કરવાની કેન્દ્ર સરકારને સલાહ પણ આપી છે.

કેન્દ્રના ચંચુપાત વગર સીબીઆઈને કામ કરવા દેવી જોઈએ તેવું મદ્રાસ હાઈકોર્ટનું કહેવું છે. મદ્રાસ હાઈકોર્ટનું એવું પણ કહેવું છે કે, સીબીઆઈની સ્વાયત્તા ત્યારે જ સુનિશ્ચિત થાય કે જ્યારે તેને બંધારણીય દરજ્જો આપવામાં આવે. ભારત સરકારે સીબીઆઈને વધુ અધિકાર અને પાવર આપવા માટે એક અલગ અધિનિયમ બનાવવા માટે વિચાર કરવો જોઈએ. જેથી સીબીઆઈ સ્વતંત્ર રીતે વધુ સારી રીતે કામ કરી શકે.  મદ્રાસ હાઈકોર્ટએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે પણ સીબીઆઈની તપાસની માંગણી કરવામાં આવે છે ત્યારે સીબીઆઈ તપાસથી દૂર ભાગે છે. સીબીઆઈ દ્વારા હંમેશા એવો ખુલાસો આપવામાં આવે છે કે તેની પાસે માણસો અને સોર્સ ઓછા છે. તેથી તપાસ કરી શકે તેમ નથી. જોકે, આવું થવું જોઈએ નહીં.

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે સીબીઆઈને સ્વાયત્તા આપીને તેના માટે એક અલગ બજેટ બનાવવું જોઈએ. સાથે સાથે જેટલી સત્તા સરકારના સચિવ પાસે હોય તેટલી સત્તા સીબીઆઈના વડાને પણ આપવી જોઈએ કે જેથી તે સીધો જે તે પ્રધાન કે વડાપ્રધાનને જ રિપોર્ટ કરે. ચિટ ફંડની એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં સમયે મદ્રાસ હાઈકોર્ટએ કરેલી આ વાત ખૂબ જ સૂચક છે.

કારણ કે સીબીઆઈનો જે રીતે ખોટો ઉપયોગ કરવામાં આવે છે અને બદલાની ભાવનાથી સીબીઆઈ પાસે કામ કરાવવામાં આવે છે તેને કારણે સીબીઆઈ જે તે કેસમાં યોગ્ય તપાસ કરી શકતી નથી. જો સીબીઆઈ સ્વતંત્ર હોય તો તે યોગ્ય રીતે જે તે કેસમાં તપાસ કરી શકે અને ગુનેગારોને શોધી શકે. અનેક એવા કેસ છે કે જેમાં ભૂતકાળમાં સીબીઆઈ દ્વારા સાચા ગુનેગારોને શોધવામાં આવ્યા હોય પરંતુ તે કેટલાક કેસ પુરતું જ સિમિત રહે છે. ખાસ કરીને રાજકીય નેતાઓ પર થતાં કેસોમાં મોટાભાગે ડરાવવાના પ્રયાસોથી માંડીને રાજકીય લાભ લેવાની ગણતરી જ મુકવામાં આવે છે.

જેને કારણે જે તે રાજકીય નેતાઓ ગુનેગાર હોવા છતાં પણ બચી જવાની સંભાવના રહેલી છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યો છે તેને ખરેખર કેન્દ્ર સરકારે ગંભીરતાથી લેવાની જરૂરીયાત છે. સરકારે સીબીઆઈને બંધારણીય દરજ્જો આપીને તેની પાસે સ્વતંત્ર તપાસ કરવાની સત્તા આપવી જોઈએ. જો કે, જે રીતે વિવિધ સરકારોની કામ કરવાની પદ્ધતિનો ભૂતકાળ છે તે જોતાં સરકાર સીબીઆઈને સ્વતંત્ર કરવાની પહેલ કરે તેવી સંભાવના નથી અને તેમાંથી કોઈપણ રાજકીય પક્ષ બાકાત પણ નથી તે સત્ય છે.

Most Popular

To Top