એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને 17,000 કરોડ રૂપિયાની કથિત લોન છેતરપિંડી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને તા.5 ઓગસ્ટે દિલ્હી સ્થિત EDના મુખ્યાલયે હાજર રહેવા માટે જણાવાયું છે.
ED તરફથી મળેલી માહિતી મુજબ, અનિલ અંબાણીએ જે લોન લીધી હતી, તેનામાં અયોગ્ય રીતે વ્યાપાર કરાયો હોવાનો આક્ષેપ છે. આ કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દાખલ કરવામાં આવ્યો છે અને તેમની સામે તપાસ ચાલુ છે.
અંબાણીએ તપાસ દરમિયાન પોતાનું નિવેદન આપવાનું રહેશે અને એ નિવેદન PMLA હેઠળ રેકોર્ડ પણ કરવામાં આવશે. EDની કાર્યવાહી દરમિયાન મળતી માહિતીના આધારે, જો જરૂરી જણાશે તો આગળના પગલાં પણ લેવામાં આવી શકે છે.
આ સમન્સ એ સમયે આપવામાં આવ્યું છે, જ્યારે ગયા અઠવાડિયે EDએ અનિલ અંબાણીના બિઝનેસ ગ્રુપની વિવિધ કંપનીઓ અને અધિકારીઓ પર તલાસી અભિયાન ચલાવ્યું હતું.
તા.24 જુલાઈથી શરૂ થયેલ આ દરોડા ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા, જેમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ડેટા મળી આવ્યા હોવાની આશંકા છે.
જોકે હવે તમામ નજરો તા.5 ઓગસ્ટે અનિલ અંબાણીના પુછપરછ પર છે, જ્યાં તેઓ ED સમક્ષ પોતાનું પક્ષ રજૂ કરશે. ED આ કેસમાં વધુ ખૂણાઓને તપાસી રહી છે.