નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને મનીષ સિસોદિયા (Manish Sisodia) દિલ્હી એક્સાઇઝ સ્કેમ (Delhi Excise Scam) કેસમાં પહેલાથી જ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી હતી કે તેના વધુ ચાર નેતાઓની ધરપકડ થઈ શકે છે.
ત્યારે આજે સોમવારે 8 એપ્રિલે EDએ હવે AAP નેતા દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવ્યા છે અને આજે બપોરે 2 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેઓ ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી હતા. આ સાથે EDએ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારને પણ બોલાવ્યા છે અને ED હેડક્વાર્ટરમાં તેમની પૂછપરછ કરી હતી.
ED પહેલાથી જ સૌરભ ભારદ્વાજ અને વિભવ કુમાર બંનેની પૂછપરછ કરી ચૂકી છે. સપ્ટેમ્બર 2022માં જ્યારે EDએ વિજય નાયરના ઘરે દરોડા પાડ્યા ત્યારે દુર્ગેશ પાઠક પણ તેમની સાથે હતો અને EDએ પાઠકનો ફોન જપ્ત કર્યો હતો. કેન્દ્રીય એજન્સીએ વારંવાર કેજરીવાલને દારૂના કથિત કૌભાંડના “કિંગપિન” ગણાવ્યા હતા. તેમજ 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં હાજર થયા પછી તેમને તિહાર જેલમાં મોકલી દીધા હતા.
આતિશીએ ધરપકડનો ભય વ્યક્ત કર્યો હતો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સીએમ કેજરીવાલની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ED દુર્ગેશ પાઠકની પણ ધરપકડ કરી શકે છે. આ સાથે જ તેણીએ પાર્ટીના ચાર નેતાઓ સાથે તેમની ધરપકડનો ડર પણ વ્યક્ત કર્યો હતો, જેમાં દુર્ગેશ પાઠક ઉપરાંત, સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડનો ભય વ્યક્ત કર્યો હતો.
દારૂ નીતિ કેસમાં AAP નેતા જેલમાં
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે. આ જ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ છ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. દારૂ નીતિ સંબંધિત આ કેસમાં આમ આદમી પાર્ટીના વધુ નેતાઓ હાલ EDના રડાર પર છે, જેમાં તાજેતરમાં તેમના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે અને હવે EDને મુખ્ય મંત્રીના પીએ વિભવ પાસેથી થોડી સ્પષ્ટતાની જરૂર છે. મુખ્ય મંત્રીના પીએ વિભવ કુમારની પૂછપરછ ચાલુ છે કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેની તપાસમાં કેટલાક દસ્તાવેજો અંગે કેટલીક “સ્પષ્ટતાઓ” ની જરૂર છે.