National

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને છ સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા

નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering) આપના (AAP) દિલ્લીના (Delhi) પૂર્વ સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનની (Satyendar Jain) સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. જેમાં SCએ સત્યેન્દ્ર જૈનને છ સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે જૈનના વકીલ અભિષેક એમ સિંઘવીએ ખરાબ તબિયતને (Health) ટાંકીને વહેલી સુનાવણીની માંગ કરી હતી.જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ સંજય કરોલની વેકેશન બેંચે સોમવારે, 22 મેના રોજ કહ્યું હતું કે તેઓ શુક્રવારે આ અરજી પર સુનાવણી કરશે. 18 મેના રોજ, SCએ EDને નોટિસ પાઠવીને આ મામલે જવાબ માંગ્યો હતો. જૈન 31 મે, 2022થી કસ્ટડીમાં છે. 6 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે SCમાં અપીલ કરી હતી.

ગુરુવારે સવારે AAP નેતા સત્યેન્દ્ર જૈન તિહાર જેલના વોશરૂમમાં લપસીને પડી ગયા હતા. સવારે તેમને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડ્યા પછી, તેમને લોક નારાયણ જય પ્રકાશ હોસ્પિટલ (LNJP) માં ખસેડવામાં આવ્યા હતા અને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા. એક અઠવાડિયામાં આ ત્રીજી વખત હતું જ્યારે જૈનને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ પહેલા 22 મેના રોજ તેમને દિલ્હીની જ સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને કરોડરજ્જુમાં સમસ્યા થઈ હતી. 20 મેના રોજ પણ આ જ સમસ્યાને કારણે તેમને દીન દયાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા.

જાણો શું છે સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે 24 ઓગસ્ટ, 2017ના રોજ જૈન વિરુદ્ધ મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. 14 ફેબ્રુઆરી 2015થી 31 મે 2017 સુધી સત્યેન્દ્ર જૈને અનેક વ્યક્તિઓના નામે જંગમ મિલકતો ખરીદી હતી. જેના તેઓ હિસાબ આપી શક્યા ન હતા. તેમની સાથે પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સાનિલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top