Gujarat

અમદાવાદમાં તમાકુ ઉત્પાદક ગ્રુપ પર ઈડીના દરોડા , ૧.૦૧ કરોડ રોકડ, ૧.૬ કિલો સોનાના બિસ્કિટ સહિત મિલકત પણ જપ્ત થઈ

અમદાવાદ,તા.25
અમદાવાદમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ દ્વારા ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ (ફેમા) 1999 અન્વયે અમદાવાદમાં તમાકુ ઉત્પાદક ગ્રુપ સામે મોટી દરોડાની કાર્યવાહી હાથ ધરી નવ સ્થળોએ દરોડા પાડી કરોડોની કેશ અને મિલકતો જપ્ત કર્યા છે.ઈડીના સૂત્રોએ કહયું હતું કે અમદાવાદ ખાતે અનાસ ગ્રુપ અને તેના ભાગીદારોના કુલ નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અનાસ ગ્રુપ તમાકુ પ્રોસેસિંગ, પેકેજિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત છે અને “એમ્બર ટોબેકો”, “ઉમદા ટોબેકો” અને “સમા ફિલ્ટર ખૈની” જેવા બ્રાન્ડ નામોથી વ્યવસાય ચલાવે છે.હાલ તપાસ ચાલુ છે અને કબ્જે કરાયેલા દસ્તાવેજોના આધારે વિદેશી સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દરોડા દરમિયાન ૧.૦૧ કરોડ રોકડા , રૂા. ૩૩.૩૪ લાખના સમકક્ષ વિદેશી ચલણ, વિદેશી માર્કિંગ ધરાવતા કુલ ૧૬ સોનાના બિસ્કિટ (આશરે ૧.૬ કિલો વજન, અંદાજિત બજાર કિંમત રૂા. ૨.૫ કરોડ) અને આશરે ૮૦ કિલો વજનના ૧૬૮ ચાંદીના ચોરસા (અંદાજિત બજાર કિંમત રૂા. ૨ કરોડ) જપ્ત કરવામાં આવ્યા છે.તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે, જેમાં દુબઈમાં આવેલી મિલકતો અંગેની વિગતો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ મિલકતો અનાસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારજનો સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Most Popular

To Top