₹2.4 કરોડની ચાંદી, ₹1.7 કરોડનું સોનું, ₹38.8 લાખ રોકડ, વિદેશી ચલણ અને મહત્વના મિલકત દસ્તાવેજો જપ્ત
ગાંધીનગર, શેર બજારમાં કરોડો કમાવી આપવાની લાલચ આપીને સામાન્ય રોકાણકારોને લૂંટનાર ગેંગ સામે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટની ટીમ દ્વારા પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટની જોગવાઈ અન્વયે હિમાશું ભરતકુમાર ભાવસાર સામે કાર્યવાહી હાથ ધરીને તપાસ દરમ્યાન ₹2.4 કરોડની ચાંદી, ₹1.7 કરોડનું સોનું, ₹38.8 લાખ રોકડ, વિદેશી ચલણ અને મહત્વના મિલકત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.અમદાવાદ ઈડીની ટીમે એ આ દરોડાની કાર્યવાહી હિમાન્શુ ઉર્ફે પીન્ટુ ભવસાર અને તેના સાગરીતો સામે PMLA, 2002 હેઠળ ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ દરમિયાન કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિ ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ કેસની શરૂઆત ખેરાલુ પોલીસ સ્ટેશન (મહેસાણા) ખાતે નોંધાયેલી ફરિયાદ પરથી થઈ હતી. હિમાશું ભવસારે શેર બજારમાં રોકાણ કરાવી ભારે નફાનો વાયદો કરી રોકાણકારો પાસેથી પૈસા વસૂલ્યા, પરંતુ ન તો તે પૈસા કોઈ શેરમાં રોકાયા અને ન જ રોકાણકારોને પરત મળ્યા. તપાસ દરમિયાન ખુલ્યું કે દેશના અલગ-અલગ રાજ્યોમાં આવા ઓછામાં ઓછા 6 FIR નોંધાઈ છે, જેમાં કુલ છેતરપિંડીની રકમ ₹10.87 કરોડથી વધુ છે.EDની તપાસમાં વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે કે હિમાન્શુ ભવસારે મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલી, સ્ટાફ રાખી રોકાણકારોને નિયમિત ફોન કોલ દ્વારા વધુ રિટર્નનો લાલચ આપ્યો હતો.
તપાસમાં આ પણ સામે આવ્યું છે કે હિમાન્શુ ભવસારે સેબી દ્વારા આપવામાં આવેલ Investment Advisor સર્ટિફિકેટનો ગેરઉપયોગ કરી Vishwas Stocks Research Pvt. Ltd., Dalal Stocks Advisory Pvt. Ltd. અને Devki Stocks Pvt. Ltd. નામે વણ નોંધાયેલી કેન્સલટન્સી સેવાઓ આપી હતી. સેબીએ આ ત્રણેય સંસ્થાઓ તથા તેમના ડાયરેક્ટરોને નિયમોના ભંગ બદલ જવાબદાર ઠેરવ્યા છે.ઈડીના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું કે આ સમગ્ર નેટવર્ક સામાન્ય લોકો પાસેથી નાણાં ઉઘરાવી ગેરકાયદેસર રીતે નફો કમાવતું હતું.