National

છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા, જાણો શું છે મામલો..

છત્તીસગઢના બહુચર્ચિત દારૂ કૌભાંડની તપાસ હવે રાજકીય હદે પહોંચી છે. જેમાં આજરોજ શુક્રવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ છત્તીસગઢ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત ખાનગી નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દારૂ કૌભાંડના સંબંધમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે પડાયા છે, જેની અંદાજિત રકમ હવે 3200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ભૂપેશ બઘેલે ખુદ આ દરોડાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હવે Twitter) પર શેર કરી હતી. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, “ED આવી ગયું છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો હું ઉઠાવવાનો હતો, પરંતુ સાહેબે EDને મોકલી દીધું.”

તેમણે આ કાર્યવાહી પાછળ રાજકીય મકસદ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. બુધવારનો દિવસ છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હતો અને પૂર્વ સીએમ મુજબ તેઓ સરકારી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા તૈયાર હતા.
દરોડાની સંપૂર્ણ કાર્યવાહી દારૂ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આશંકિત લોકો સામે ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, હોટેલ ઉદ્યોગપતિ વિજય અગ્રવાલના ઘરો, હોટેલો અને ઓફિસીસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. EDએ તેમના ગોવા અને દિલ્હીના સ્થળોએ પણ કાર્યવાહી કરીને આશરે 70 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા છે.

વિજય અગ્રવાલને ભૂપેશ બઘેલના નજીકના સાથી તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે હવે આ દરોડાને વધુ રાજકીય રંગ મળ્યો છે. મહત્વનું છે કે આ કૌભાંડ અગાઉ 2100 કરોડ જેટલું હોવાનું કહેવામાં આવતું હતું, પરંતુ નવી તપાસ મુજબ આ રકમ 3200 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

ED દ્વારા હાલ પણ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

Most Popular

To Top