નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) બાહુબલી લીડર મુખ્તાર અંસારી(Mukhtar Ansari) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ મુખ્તાર અંસારી અને તેના નજીકના સહયોગીઓના દિલ્હી(Delhi), લખનૌ(Lucknow), ગાઝીપુર(Gazipur) અને મૌમાં અનેક સ્થળો પર દરોડા(Raid) પાડ્યા છે. આટલું જ નહીં મુખ્તારના મુહમ્દાબાદ(Muhammadabad)ના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. EDએ મુખ્તાર અંસારી અને તેના નજીકના સહયોગીઓ પર સકંજો કસ્યો છે. EDએ દિલ્હી અને યુપીના લખનૌ, મૌ અને ગાઝીપુર જિલ્લામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. તેમાં અન્સારીનું મુહમ્મદાબાદનું ઘર પણ સામેલ છે. આ સિવાય EDએ વિક્રમ અગ્રહરી અને ગણેશ મિશ્રાના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. એટલું જ નહીં ખાન બસ સર્વિસના માલિક પર પણ EDના દરોડા પાડ્યા છે.
પંજાબમાં મુખ્તારને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી હતી
આ પહેલા પણ મુખ્તાર અંસારી પર મોટો ખુલાસો થયો છે. પંજાબની AAP સરકારે તાજેતરમાં રૂપનગર જેલમાં બંધ મુખ્તાર અંસારીને VVIP ટ્રીટમેન્ટ આપવાના આરોપોની તપાસનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પંજાબની તત્કાલીન કોંગ્રેસ સરકારે અન્સારીના કેસ લડવા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે વકીલને રોક્યા હતા. વકીલ પર 11 લાખ રૂપિયા પ્રતિ સુનાવણીના દરે કુલ 55 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે સુનાવણીના દિવસે પણ વકીલે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. AAP સરકારે વકીલના આ બિલો ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે.
પત્ની પણ મુખ્તાર સાથે જેલમાં હતી
પંજાબના જેલ મંત્રી હરજોત બેન્સે કહ્યું કે, ગેંગસ્ટરને બચાવવામાં ખર્ચવામાં આવેલા આ બિલ શા માટે ચૂકવવા જોઈએ. તેમણે કહ્યું કે અમે આ મામલે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્તાર અંસારીને બેરેકમાં ફાઈવ સ્ટાર જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. આટલું જ નહીં જ્યાં 25 કેદીઓને રાખવાની વ્યવસ્થા હતી તે જગ્યા મુખ્તાર માટે ખાલી કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે જેલ પ્રશાસને મુખ્તારની પત્નીને પણ તેની સાથે રહેવાની મંજૂરી આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે અંસારીને કોર્ટમાં લઈ જવા માટે ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એમ્બ્યુલન્સમાં તેની પત્ની પણ તેની સાથે રહેતી હતી.
2 વર્ષ અને 3 મહિના જેલમાં હતો
એટલું જ નહીં, પંજાબના જેલ મંત્રીએ દાવો કર્યો છે કે મુખ્તારને માત્ર એક શંકાસ્પદ એફઆઈઆરના આધારે જેલમાં રાખવામાં આવ્યો હતો, જેથી તેને યુપી પોલીસની કાર્યવાહીથી બચાવી શકાય. મુખ્તાર અંસારી પંજાબમાં 2 વર્ષ અને 3 મહિના જેલમાં હતો. યુપીની યોગી આદિત્યનાથ સરકારે મુખ્તાર અંસારીને પરત લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુખ્તારને યુપીની બાંદા જેલમાં લાવવામાં આવ્યો હતો.