National

મની લોન્ડરિંગ મામલે મુંબઈમાં EDના દરોડા: દાઉદની બહેન હસીના સહિત મોટા નેતાઓના ઘરે સર્ચ ઓપરેશન

મુંબઈ(Mumbai): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે અંડરવર્લ્ડમાં મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસના ભાગરૂપે મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા (Raid) પાડ્યા હતા. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) બહેન હસીના પારકરના (Haseena Parkar) ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મુંબઈમાં ઘણાં બઘાં વિસ્તારોમાં ગેરકાયદેસર મિલકતની ખરીદી કરવા ઉપર તેમજ મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે ઈડીની રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ઘણાં મોટા નેતાઓનું (Minister) નામ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ અંગે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યાં નથી.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં લગભગ 10 જગ્યા ઉપર રેડ પાડવામાં આવી છે. તેમજ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની કલમ હેઠળ કરવામાં આવી રહી છે. ઈડીની કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તાજેતરમાં નોંધાયેલી FIR અને પૂર્વ એજન્સીને મળેલી કેટલીક જાસૂસી માહિતીઓ પર આધારિત છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ તપાસનું ઝડપથી પરિણામ બહાર આવશે. 

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘણા વર્ષો જૂના બંધ પડેલ ઘરમાં EDની ટીમે દરોડા પાડ્યા છે. આ રેડમાં રાજકારણીઓના નામ જોડાયેલા હોવાથી રાજકારણ ગરમાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો અગાઉના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે જેમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સામેલ છે. ઈડી નેતાઓ અને દાઉદ ઈબ્રાહિમના કથિત સહયોગીઓના નાણાંની લેવડ-દેવડની પણ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવસેનાના નેતા સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના ચાર નેતાઓ પર આરોપ લગાવ્યો છે.

90ના દાયકામાં ફરાર થયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા લોકો મોટા પાયે મની લોન્ડરિંગ સામેલ થયા હોવોનો આરોપ છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીને અન્ડરવર્લ્ડના પંજાબ કનેક્શન વિશે જાણવા મળ્યું હતું. તેમજ આ સાથે એવી પણ માહિતી મળી આવી હતી કે અન્ડરવર્લ્ડના લોકો મોટાપાયે મુંબઈથી પંજાબ પૈસા પહોંચાડી રહ્યાં છે. એવું પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દાઉદ ઈબ્રાહિમને તેનો બિઝનેસ ચલાવવા અને બિઝનેસમાંથી મળેલા પૈસાથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવામાં મદદ કરી રહી છે. 

Most Popular

To Top