Gujarat

અમેરિકન નાગરિકોને છેતરતી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતી ગેંગનો ઈડી દ્વારા અમદાવાદમાં પર્દાફાશ,13.5 લાખની રોકડ અને કરોડોની મની લોન્ડરિંગની કડી ખુલી

ગાંધીનગર,તા.10

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા PMLA, 2002 ના કાયદા હેઠળ અમદાવાદમાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યવાહી વિદેશી નાગરિકો, ખાસ કરીને અમેરિકા (USA)ના નાગરિકોને છેતરતી મોટા પાયે ગેરકાયદે કોલ સેન્ટર પ્રવૃત્તિઓની તપાસ અંતર્ગત કરવામાં આવી છે.

સર્ચ દરમિયાન મુખ્ય આરોપી આકિબ ઘાંચીના કબજામાંથી અંદાજે USD 12,000 જેટલી ક્રિપ્ટોકરન્સી મળી આવી, જેને EDના અધિકૃત ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરીને જપ્ત કરવામાં આવી છે. આ સાથે રૂ. 13.5 લાખની બિનહિસાબી રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે.તપાસ દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને સંવેદનશીલ ડેટા પણ મળી આવ્યા છે, જે કોલ સેન્ટર ફ્રોડ નેટવર્કના નાણાકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના પુરાવા પૂરાં પાડે છે.આ ઉપરાંત, આરોપી તથા તેની સંકળાયેલી સંસ્થાઓના 31 બેંક ખાતાં અને એક બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા છે. ED દ્વારા આ સમગ્ર રેકેટના નાણાકીય પ્રવાહ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને આંતરરાષ્ટ્રીય લિંક્સની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

સાયબરાબાદ પોલીસ અને સીબીઆઈ, નવી દિલ્હી દ્વારા નોંધાયેલી FIRના આધારે શરૂ થયેલી ઈડીની દરોડાની કાર્યવાહીમાં તથા તપાસમાં ખુલાસો થયો કે એક જ ગેંગ અલગ-અલગ લોકેશન પરથી કોલ સેન્ટરો ચલાવતી હતી. સામાન્ય ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમબદ્ધ માનવબળ, તૈયાર કોલ સ્ક્રિપ્ટ્સ અને સેન્ટ્રલાઇઝ્ડ મની-હેન્ડલિંગ મકૅનિઝમથી ઠગાઈ કરવામાં આવતી હતી.

ઈડીની તપાસ મુજબ આરોપીઓ યુ.એસ. સરકારની એજન્સીઓ અથવા ખાનગી કંપનીઓના અધિકારીઓ સ્વાગમાં ફોન કરતા, લોન-ટેક્સ બાકી હોવાનું ભય બતાવી પીડિતોને ગિફ્ટકાર્ડ ખરીદવા કે ડિજિટલ પેમેન્ટ કરવા મજબૂર કરતા. આ રકમ મુખ્યત્વે એમેઝોન ગિફ્ટકાર્ડ મારફતે મેળવીને Paxful જેવી ઓનલાઈન પ્લેટફોર્મ પર બિટકોઇન સહિત ક્રિપ્ટોકરન્સીમાં ફેરવાતી. વિદેશી નાગરિકોની મદદથી ક્રિપ્ટોનું કન્વર્ઝન-લિક્વિડેશન કરવામાં આવતું અને મોટાભાગની રકમ હવાલા તથા બ્લેક માર્કેટ મારફતે એન્કૅશ થતી હતી.EDના જણાવ્યા અનુસાર આરોપીઓ લાંબા સમયથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા અને ગુનાની આવકમાંથી પોતાના તથા પરિવારજનો/પ્રોક્સીના નામે નોંધપાત્ર સંપત્તિ ભેગી કરી હતી.

  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા PMLA, 2002 હેઠળ અમદાવાદમાં 6 સ્થળોએ સર્ચ ઓપરેશન
  • વિદેશી નાગરિકો, ખાસ કરીને અમેરિકા (USA)ના નાગરિકોને છેતરતી ગેરકાયદે કોલ સેન્ટર મામલે દરોડા
  • સર્ચ દરમિયાન મુખ્ય આરોપી આકિબ ઘાંચીના કબજામાંથી અંદાજે USD 12,000 જેટલી ક્રિપ્ટોકરન્સી જપ્ત
  • જપ્ત કરાયેલી ક્રિપ્ટોકરન્સી EDના અધિકૃત ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરાઈ
  • ઉપરાંત રૂ. 13.5 લાખની બિનહિસાબી રોકડ રકમ જપ્ત
  • સર્ચ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો અને મહત્વપૂર્ણ ડિજિટલ ડિવાઇસ જપ્ત
  • ડિજિટલ ડેટામાંથી આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્કના મહત્વના પુરાવા મળ્યા
  • આરોપી તથા તેની સંકળાયેલી સંસ્થાઓના 31 બેંક ખાતાં અને એક બેંક લોકર ફ્રીઝ
  • કોલ સેન્ટર ફ્રોડના નાણાકીય પ્રવાહ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને વિદેશી લિંક્સની તપાસ તેજ
  • વિદેશી નાગરિકોને નિશાન બનાવી કરાતા સાઇબર ફ્રોડ સામે EDની મહત્વપૂર્ણ કાર્યવાહી

Most Popular

To Top