વિશ્વમાં આર્થિક અસમાનતા ખૂબ વધી રહી છે તેવી ચર્ચાઓ વચ્ચે હાલ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. દુનિયામાં છેલ્લા એક દાયકામાં ટોચના ધનવાનોની કુલ મિલકતોમાં ૪૨ ખર્વ ડોલર જેટલો વધારો થયો છે જ્યારે કે વિશ્વના કરોડો ગરીબો સામાન્ય જીવન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે એ મુજબ ઓક્સફામના એક અહેવાલમાં જણાવાયું છે. વિશ્વમાં ગરીબોના અધિકારો અને કલ્યાણ માટે લડત ચલાવતી સંસ્થા ઓક્સફામે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે વિશ્વના ધનવાનો વધુ અને વધુ ધનિક થયા છે ત્યારે તેમના પરના વેરા ઐતિહાસિક નીચા સ્તરે ગયા છે અને આ સંસ્થાએ ચેતવણી આપી છે કે દુનિયામાં આર્થિક અસમાનતા અશ્લીલ કહી શકાય તેવા સ્તરે પહોંચી રહી છે જ્યાં વસ્તીનો ઘણો મોટો ભાગ કચરા જેવી વસ્તુઓ પર ગુજરાન ચલાવવા મજબૂર છે. ઓક્સફામ અતિ ધનિક વર્ગ પર ૮ ટકા મિલકત વેરો નાખવાની હિમાયત કરે છે. તેનુ કહેવું છે કે આટલા ઉંચા દરે મિલકત વેરો નાખવાથી અતિ ધનિકોની મિલકતોમાં ઘટાડો થશે અને આર્થિક અસમાનતા ઓછી થશે. જો કે વિશ્વના ઘણા બધા દેશો તેની વાત સાંભળવાના મૂડમાં હોય તેમ લાગતુ઼ નથી.
ઓક્સફામ કહે છે કે વિશ્વની વસ્તીના ગરીબો દ્વારા જેટલી કુલ મિલકતો ભેગી કરવામાં આવી છે તેના કરતા ૩૬ ગણા જેટલો મોટો આંકડો ૪૨ ટ્રિલિયન ડોલરનો છે. જ્યારે બ્રાઝિલના રિયો ડી જાનીરો શહેરમાં જી-૨૦ સંગઠનના સભ્ય દેશોના નાણા મંત્રીઓની બેઠક મળી રહી છે તે સમયે ઓક્સફામે આ અહેવાલ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના દર પાંચ અબજપતિમાંથી ચાર અબજપતિ જી-૨૦ના કોઇ સભ્ય દેશમાં વસે છે. જી-૨૦ની આ બેઠકમાં અતિ ધનિકો પર ઉંચા દરે વેરા લાદવા પર ચર્ચાનો પણ એજન્વડા છે. ફ્રાન્સ, સ્પેશ, દક્ષિણ આફ્રિકા, કોલંબિયા જેવા દેશો અને આફ્રિકન યુનિયન આ દરખાસ્તની તરફેણ કરે છે જ્યારે અમેરિકા આ દરખાસ્તનો મક્કમ વિરોધ કરે છે. ઓક્સફામ કહે છે કે જી-૨૦ દેશોની સરકારોનો આ ખરેખરો લિટમસ ટેસ્ટ છે જ્યારે આ એનજીઓ સંસ્થાએ અતિ-ધનિકોની મિલકતો પર વર્ષના ઓછામાં ઓછા ૮ ટકાના દરે મિલકત વેરો લાદવાની તરફેણ કરી છે.
છેલ્લા એક દાયકામાં વિશ્વના ટોચના એક ટકા ધનવાનોની મિલકતમાં ૪૦૦૦૦૦ ડોલર જેટલો વધારો થયો છે ત્યારે આ જ સમયગાળામાં તળિયાના વ્યક્તિની મિલકતમાં માત્ર ૩૩૫ ડોલર કે એક દિવસના નવ સેન્ટ જેટલો વધારો થયો છે. ઓક્સફામ કહે છે કે હવે ટૂંક સમયમાં વિશ્વ કોઇ ખર્વપતિ પણ જોઇ શકે છે. અત્યાર સુધી એલન મસ્ક કે જેફ બેઝોસ કોઇની મિલકત એક ખર્વ પર પહોંચી નથી પણ ગયા વર્ષે જ આ સંસ્થાએ કહી દીધું હતું કે જે ઝડપથી ધનવાનોની મિલકતો વધી રહી છે ત્યારે ટૂંક સમયમાં દુનિયા કોઇ ટ્રિલિયોનર પણ જોઇ શકે છે.
જો કે ઓક્સફામ કહે છે કે આ કોઇ ગૌરવ લેવા જેવી વાત નથી જ્યારે કે વિશ્વમાં કરોડો ગરીબો છે અને અમેરિકામાં દર દસમાંથી એક વ્યક્તિ ગરીબ છે. ઓક્સફામ એ બ્રિટનમાં ૧૯૪૨માં સ્થપાયેલ એક બિનસરકારી સંસ્થા છે. તે વિશ્વભરમાં હવે ૨૧ પેટા સંસ્થાઓ ધરાવે છે. આ સંસ્થા ગરીબોના અધિકારો માટે લડત ચલાવે છે. તેનું મૂળ નામ ઓક્સફર્ડ કમિટિ ફોર ફેમિન રીલિફ છે. તે દુકાળો ઉપરાંત પૂર વગેરે આપત્તિના સમયે પણ ગરીબોને મદદ કરવા સહિતના પણ કાર્યો કરે છે. વિશ્વમાં વધતી આર્થિક અસમાનતા અંગે આવી સંસ્થાઓ અવાજ ઉઠાવે છે તે સારુ઼ જ છે. જો આ અવાજ વિશ્વભરની પ્રજાઓના ટેકા સાથે વધુ બુલંદ બનવો જોઇએ.
ખરેખર તો વિૅશ્વમાં જે આર્થિક અસમાનતા વધી છે તે માટે ઘણા દેશોનો મૂડીવાદ તરફી ઝોક સ્પષ્ટપણે જવાબદાર જણાઇ આવે છે. અનેક દેશોની સરકાર ધનવાનોને અનુકૂળ આવે તે રીતે વેરાના નિયમો બદલ્યા છે. ઓક્સફામ કહે છે કે વિશ્વમાં ધનિકો પરના વેરા ઐતિહાસિક નીચા સ્તરે ગયા છે. અનેક દેશોએ આ વેરા ઘટાડ્યા છે અને ધનિકો તેમની મિલકતોના માત્ર ૦.પ ટકા જેટલો જ સરેરાશ વેરો ચુકવે છે. ભારતમાં ૨૦૧૫માં મિલકત વેરો નાબૂદ કરવમા આવ્યો હતો જે ૩૦ લાખ કરતા વધુ મિલકત પર એક ટકાના દરે ચુકવવાનો થતો હતો.
હવે દસ ટકા ટોચના આવકવેરા પર બે ટકા સરચાર્જ ભરીને તેઓ છૂટી જાય છે જે મિલકત પર નહીં પણ આવક પર ચુકવવાનો હોય છે. કોઇ વ્યક્તિની એક અબજ રૂપિયાની મિલકત હોય તો એક ટકાના દરે તેણે વર્ષે અેક કરોડ રૂપિયા મિલકત વેરો ચુકવવાનો થાય. જ્યારે આવક પર દસ ટકા વેરો પણ હોય તો તે એટલો બધો થાય નહીં. આવા સંજોગોમાં આવક પર વેરો ચુકવીને પછી ધનવાનો મિલકતોના ઢગલા કર્યા કરે છે. એક તરફ કરોડો લોકો સખત ગરીબીમાં સબડતા હોય અને બીજી બાજુ માંડ થોડાક ધનવાનો આકરાંતિયાની માફક ધન ભેગું કર્યા કરે તે અશ્લીલ બાબત જ કહેવાય. ઓક્સફામની વાત સાચી છે. દુનિયાભરમાંથી આ આર્થિક અસમાનતા દૂર કરવા વિશ્વના દેશોએ પ્રમાણિક પ્રયાસો કરવા જ જોઇએ.