નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાહુલ ગાંધીને (Rahul Gandhi) આચારસંહિતા ભંગ (Violation of the Code of Conduct) બદલ નોટિસ મોકલી છે. પંચે બંને નેતાઓ પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.
ભારતીય ચૂંટણી પંચે આચારસંહિતાના કથિત ઉલ્લંઘનને ધ્યાનમાં લઈને આ નોટિસ જારી કરી છે. આ સાથે જ ECIએ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાર્ટી પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77નો ઉપયોગ કરીને આ નોટિસ જારી કરી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી વિરુદ્ધ પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે બંને ફરિયાદો પર ધ્યાન આપ્યા બાદ આ નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે બંને નેતાઓ પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.
પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે. ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. ભાજપ જે રીતે ધર્મનો ઉપયોગ કરી રહી છે અથવા તો તેનો દુરુપયોગ કરી રહી છે. તે એકદમ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.
PMના બાંસવાડાના નિવેદન પર નોટિસ મોકલવામાં આવી
વાસ્તવમાં અગાવ કોંગ્રેસ પાર્ટીએ બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ફરિયાદ કરી હતી. રાજસ્થાનના બાંસવાડામાં રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો લોકોની મિલકતો લઈ લેવામાં આવશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોમાં વહેંચવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે સરકાર બનાવ્યા બાદ અમે માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું, તેની માહિતી લઈશું અને પછી તેનું વિતરણ કરીશું. પીએમ મોદીની આ ટિપ્પણી અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. તેમજ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.