National

ECIએ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી, આ તારીખે થશે મતદાન

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ (ECI) એ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો (Assembly Seats) પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, 10 જુલાઈએ વિધાનસભાની આ પેટા ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી (Counting of votes) થશે. તેમજ જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ બેઠકો પર ચૂંટણી માટેનું નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. તેમજ નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 21 જૂન રહેશે અને 24મી જૂને નામાંકનની ચકાસણી થશે. આ સાથે જ નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન છે.

આ મતવિસ્તારોની આટલી બેઠકો પર 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાશે:

  • બિહાર 1
  • પશ્ચિમ બંગાળ 4
  • તમિલનાડુ 1
  • મધ્ય પ્રદેશ 1
  • ઉત્તરાખંડ 2
  • પંજાબ 1
  • હિમાચલ પ્રદેશ 3

ઇલેસ્શન કમિશનના જણાવ્યા મુજબ બિહારની રૂપૌલી સીટ પર બીમા ભારતીના રાજીનામાને કારણે પેટાચૂંટણીનું આયોજન કરાયું છે. જ્યારે પશ્ચિમ બંગાળની રાયગંજ સીટ પર કૃષ્ણા કલ્યાણીના રાજીનામાને કારણે, પશ્ચિમ બંગાળની રાણાઘાટ દક્ષિણ બેઠક પર ડૉ. મુકુટ મણિ અધિકારીના રાજીનામાને કારણે, પશ્ચિમ બંગાળની બગડા સીટ પર વિશ્વજીત દાસના રાજીનામાને કારણે, પશ્ચિમ બંગાળની માણિકતલા સીટ પર સાધન પાંડેના અવસાનના કારણે પેટાચૂંટણીનું આયોજન કરાયું છે.

આ સાથે જ તમિલનાડુની વિકરાવંડી બેઠક પર થિરુ એન. પુગાઝેન્થીના મૃત્યુને કારણે, મધ્યપ્રદેશની અમરવાડા સીટ પર કમલેશ પ્રતાપ શાહના રાજીનામાને કારણે, ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ પર રાજેન્દ્ર સિંહ ભંડારીના રાજીનામાને કારણે ઉપરાંત ઉત્તરાખંડની મેંગ્લોર સીટ પર સરવત કરીમ અંસારીના નિધનને કારણે પેટાચૂંટણી કરાશે.

આ રાજ્યો ઉપરાંત પંજાબની જલંધર પશ્ચિમ બેઠક ઉપર શીતલ અંગુરાના રાજીનામાને કારણે, હિમાચલ પ્રદેશની દેહરા સીટ પર હોશિયાર સિંહના રાજીનામાને કારણે, હિમાચલ પ્રદેશની હમીરપુર સીટ પર આશિષ શર્માના રાજીનામાને કારણે તેમજ હિમાચલ પ્રદેશની નાલાગઢ બેઠક પર કે.એલ. ઠાકુરના રાજીનામાને કારણે પેટાચૂંટણીનું આયોજન કરાયું છે.

Most Popular

To Top