બારડોલી: બારડોલીના (Bardoli) ગાંધી રોડ પર આવેલી જય કેસરકુંજ રેસિડેન્સીના બિલ્ડરે આવાસ અને શહેરી વિકાસ કોર્પોરેશનની 6.31 કરોડની લોનની (Loan) ભરપાઈ નહીં કરતાં સોસાયટીના 125 જેટલાં મકાનોની ઇ-હરાજી (E-Auction) કરવામાં આવશે. જે અંગે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા ઢોલ-નગારાં વગાડીને જે-તે મકાનો પર નોટિસ (Notice) પણ લગાવવામાં આવી છે. બિલ્ડરના કારણે જિંદગીભર પાઇ પાઇ એકઠી કરી પોતાના ઘરનું ઘર વસાવનાર પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે.
સુરતના બિલ્ડર નીતિનભાઈ જી.રાણા, કિરીટભાઈ જી.રાણા, મીનાક્ષીબેન જી.રાણા અને પ્રવીણા જી.રાણાની જય કેસર ભવાની ડેવલપર્સ પ્રા.લિ. નામની કંપની દ્વારા બારડોલીના ગાંધી રોડ પર જય કેસરકુંજ રેસિડેન્સી નામ સોસાયટી બનાવવામાં આવી હતી. આ સોસાયટી પર જે-તે સમયે બિલ્ડર દ્વારા આવાસ અને શહેરી વિકાસ કોર્પોરેશન લિ. પાસેથી લોન લેવામાં આવી હતી. આ લોનની 6,31,56,913 રૂપિયા બાકી લેણી ચૂકવણી કરવામાં બિલ્ડર નિષ્ફળ નીવડ્યા હતા. આ અંગે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ-2 દ્વારા 11/4/2022ના રોજ આવેલા ચુકાદા મુજબ તા.21/7/2023ના રોજ જાહેર ઇ-હરાજી કરી કિંમત વસૂલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના અનુસંધાને સોસાયટીમાં શુક્રવારે ઢોલ-નગારાં સાથે ડેટ રિકવરી ટ્રિબ્યુનલે મકાનો પર નોટિસ ચોંટાડી હતી.
નોટિસ જોતાં મકાનોમાં રહેતા પરિવારોની હાલત દયનીય થઈ ગઈ હતી. જિંદગીભરની પૂંજી એક ઘર વસાવવા માટે લગાવી દીધી હોય અને તે ઘર એક બિલ્ડરની લાપરવાહીને કારણે હરાજી થઈ રહ્યું હોય ત્યારે પરિવારોના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.
ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ લગાવાઈ છે
આ અંગે કેસર કુંજ સોસાયટીના પ્રમુખ રાકેશ ગાંધીની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ લગાવવામાં આવી છે. સોસાયટીને બચાવવા અમારી લડત સતત ચાલી જ રહી છે. આ માટે જે કાર્યવાહી કરવાની હશે તે જાણકારોની સલાહ લઈને કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેસરકુંજ સોસાયટીમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલી ગેરરીતિને કારણે બિલ્ડર નીતિન રાણા સામે અલગ અલગ મુદ્દાને લઈ પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે.