World

ભારતના પડોશી બાંગ્લાદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાની ઢાકા સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકા લાગ્યા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધાઈ હતી. સ્થાનિક સમય મુજબ સવારે 6:14 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ નરસિંગડી જિલ્લામાં 30 કિલોમીટર ઊંડાઈએ હતું.

કોઈપણ પ્રકારનું નુકસાન નોંધાયું નથી
સદનસીબે આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી. ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાથી રહેવાસીઓએ માત્ર હળવો ઝટકો અનુભવ્યો હતો. તેમજ ઢાકા અને આસપાસના શહેરોમાં પણ થોડા સેકંડ સુધી કંપન થઈ પરંતુ પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ ગઈ હતી.

બાંગ્લાદેશ ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ પ્રદેશ
બાંગ્લાદેશ ત્રણ ટેક્ટોનિક પ્લેટ ભારતીય, મ્યાનમાર અને યુરેશિયનના સાંધા પર આવેલું હોવાથી ભૂકંપના સૌથી જોખમવાળું દેશ માનવામાં આવે છે. ઢાકા શહેર વિશ્વના સૌથી વધુ ભૂકંપ-સંભવિત શહેરોમાંથી એક ગણાય છે. શહેરની ગીચ વસ્તી અને જૂના ભાગમાં આવેલી જૂની-જર્જરિત ઇમારતોને કારણે અહીં મોટો ભૂકંપ વિનાશક બની શકે છે.

ઇતિહાસ પ્રમાણે ઢાકા અને આસપાસના વિસ્તારોમાં 1869થી 1930 દરમ્યાન 7.0થી ઉપરની તીવ્રતાના પાંચ મોટા ભૂકંપ આવી ચૂક્યા છે. આ વાત દર્શાવે છે કે વિસ્તાર લાંબા સમયથી સિસ્મિક જોખમવાળો રહ્યો છે.

1897નો સૌથી વિનાશક ભૂકંપ
12 જૂન 1897ના રોજ આસામના ખાસી પર્વતો નજીક 8.1 તીવ્રતાનો મહાભૂકંપ આવ્યો હતો. તેની અસર આખા બાંગ્લાદેશમાં અત્યંત વિનાશક રહી હતી. તે સમયે બાંગ્લાદેશ બ્રિટિશ ભારતનો ભાગ હતો. સિલહટ, ઢાકા, ચિત્તાગોંગ અને મૈમનસિંહ સહિત અનેક વિસ્તારોમાં ઘરો, ઇમારતો, પુલો અને રસ્તાઓ ધરાશાયી થઈ ગયા હતા. હજારો લોકોના મોત થયા હતા અને લાખો પ્રભાવિત થયા હતા.

હાલની પરિસ્થિતિ સામાન્ય
આજના ભૂકંપ પછી કોઈપણ જાનહાનિ કે મોટું નુકશાન નોધાયું નથી અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. તંત્ર સિસ્મિક એક્ટિવિટીને લઈને સાવચેતી રાખી રહ્યું છે અને લોકોમાં ગભરાટ ન થાય તે માટે અનુરોધ કર્યો છે.

Most Popular

To Top