Editorial

તિબેટમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકા ગમે ત્યારે ભારતને પણ નુકસાન કરે તેવી સંભાવના

પુરાતત્વવિદ્દો એવું કહે છે કે, હાલના હિમાલયના સ્થાને દરિયો હતો અને ભુકંપને કારણે હિમાલયનું નિર્માણ થયું હતું. આ વાત એટલા માટે સાચી લાગે છે કે જ્યાં હિમાલય છે ત્યાં બે પ્લેટ ભેગી થાય છે. ટેક્ટોનિક યૂરેશિયન અને ભારતીય પ્લેટો એકબીજા સાથે બળપૂર્વક અથડાતી હોવાને કારણે આ સ્થાને ભૂકંપ આવે છે. થોડા સમય પહેલા નેપાળમાં ભારે ભૂકંપ આવ્યો હતો અને અનેકના મોત થયા હતા. ત્યાં સુધી એક અનેક ઐતિહાસિક સ્થાનકો પણ તૂટી ગયા હતા.

આ વિસ્તારોમાં ભૂકંપ આવતા જ રહે છે. હાલમાં ચીન-નેપાળ બોર્ડર પર ધરતી સતત ધ્રુજી રહી છે. ગત તા.7મી જાન્યુઆરીએ તિબેટના શિજાંગમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે. આ વિસ્તારમાં થોડા થોડા સમયે સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા હોવાને કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાવા પામી છે. જે દિવસે આ વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે 126 લોકોના મોત થયા હતા. આમ તો હિમાલયને સાંકળતા આખા વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા જ રહે છે. તેમાં નેપાળ, તિબેટ અને ચીનનો સમાવેશ થાય છે. આ ભૂકંપ જે સ્થળે આવ્યો તે તિબેટનો વિસ્તાર છે અને ચીન તેમજ નેપાળની સરહદ પર આવ્યો છે. 7મી જાન્યુઆરીએ આવેલા ભૂકંપ બાદ ધરતી આ વિસ્તારમાં સતત હલી જ રહી છે.

એકેય દિવસ એવો ગયો નથી કે જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો નહીં હોય. મોટા ભૂકંપના આંચકા બાદના આફ્ટર શોક તરીકે આ આંચકા આવ્યા છે કે પછી ભૂકંપ છે કે કેમ? તેની તપાસ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. પરંતુ ગત તા.13મી જાન્યુઆરીએ પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બીજા જ દિવસે તા. 14મી જાન્યુઆરીના રોજ પણ ભૂકંપ અનુભવાયો હતો. 7મી જાન્યુઆરી બાદ આ વિસ્તારમાં અધધધ… કહી શકાય તેવીરીતે ભૂકંપના 3614 આંચકાઓ અનુભવાયા છે. આ તમામ આંચકાઓની તીવ્રતા 3થી ઓછી રહી હોવાથી જાનમાલની મોટી હાનિ થઈ નથી પરંતુ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3થી વધુની તીવ્રતા ધરાવતા 50 ભૂકંપ અહીંયા આવી રહ્યા છે.

જે વિસ્તારમાં ભૂકંપ આવી રહ્યા છે તે શિગાજે પ્રાંતનો વિસ્તાર ભારતની સીમાથી નજીક જ છે. આ વિસ્તારમાં 27 ગામડાઓનો સમાવેશ થાય છે. જેમાં 60 હજાર લોકો રહે છે. તિબેટના પવિત્ર શહેરોમાં આ વિસ્તારનો સમાવેશ થાય છે. આ બૌદ્ધ ધર્મના પ્રમુખ વ્યક્તિ મનાતા પંચેન લામાની પારંપરિક સીટ છે. પંચેન લામા દલાઈ લામા પછી બીજા નંબરના ધર્મગુરૂ માનવામાં આવે છે. જે રીતે ભૂકંપ આવી રહ્યા છે તેને કારણે ગમે ત્યારે આ વિસ્તાર આખો તૂટી જાય તેવો ભય પેદા થયો છે. આમ તો આ વિસ્તાર ભારતમાં નથી તેથી ભારતને વધુ ચિંતા નથી પરંતુ જે રીતે ભૂકંપ આવી રહ્યા છે તે ગમે ત્યારે ભારતના વિસ્તારોને પણ નુકસાન કરે તેવી સંભાવના છે. આ ભૂકંપને કારણે ગમે ત્યારે નેપાળ અને તિબેટ બંને દેશને ભારે ખુવારી વેઠવી પડે તેવી સંભાવના છે. ભૂકંપ એવી સ્થિતિ છે કે તેને અટકાવી શકાય તેમ નથી. આ કુદરતી આફત કોઈ રીતે અટકે તેમ નથી. જેથી આ અંગે સાવચેતી રાખવામાં આવે તે જ મોટી જરૂરીયાત છે તે નક્કી છે.

Most Popular

To Top