જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજરોજ સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 મપાઈ હતી. જોકે, આ આંચકા સામાન્ય કે હલકાં સ્તરના હોવાથી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ નોંધાયા નથી.
ભૂકંપ આજરોજ તા.21 જુલાઇ સોમવારે સવારે લગભગ 1.36 વાગ્યે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર કિશ્તવાડ વિસ્તારમાં રહ્યું હતું અને તેનું નિર્માણ પૃથ્વી પૃષ્ઠથી આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ થયું હતું. એનસીએસના અહેવાલ મુજબ, ભૂકંપ 33.17 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.87 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયો હતો.
આ ભૂકંપ વિષે સ્થાનિક વાસીઓનું કહેવું છે કે રાત્રિના શાંત માહોલ વચ્ચે અચાનક જમીન થરથરાઈ ઉઠતાં લોકો થોડીવાર માટે ગભરાઈ ગયા હતા, જોકે થોડા સેકંડમાં સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. પ્રાદેશિક પ્રશાસને પણ ભૂકંપ પછી તાત્કાલિક સ્થિતિનો અંદાજ લઈ ખાતરી આપી છે કે કોઈ નુકસાન થયેલું નથી.
ભૂતકાળમાં પણ કિશ્તવાડ અને આસપાસના વિસ્તારમાં નાનાં કદના ભૂકંપ નોંધાતા રહ્યા છે, જેથી આ વિસ્તાર ભૂકંપલક્ષી ઝોનમાં આવરી લેવાયો છે. એનસીએસ અને સ્થાનિક તંત્ર ભૂકંપ અંગે સતત નિરીક્ષણ રાખી રહ્યું છે.