આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજ રોજ તા. 9 નવેમ્બર બપોરે 12:06 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર ઊંડાઈએ હતું. જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અલગ એજન્સીઓના જુદા-જુદા આંકડા
આ ભૂકંપની તીવ્રતા વિશે અલગ-અલગ એજન્સીઓએ જુદા આંકડા આપ્યા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)એ આ ભૂકંપની તીવ્રતા 6.07 આપ્યા. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ 5.5 બતાવી હતી.
સુનામીનો ખતરો નથી
ભૂકંપ પછી મલેશિયા સિસ્મિક સેન્ટર એ કહ્યું કે આ ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી. તે છતાં પણ સ્થાનિક તંત્રએ લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા છે.
ભૂકંપ કેમ આવે છે?
વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી પર સાત ટેક્ટોનિક પ્લેટો છે. જે સતત ખસતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. ત્યારે ભૂકંપ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના અનેક વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે.
ભારતમાં કયા વિસ્તારો જોખમવાળા છે?
ભારતના આશરે 59% વિસ્તાર ભૂકંપ માટે જોખમવાળા છે. દેશને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5.
આમાં ઝોન 5 સૌથી ખતરનાક છે. જ્યારે ઝોન 2 સૌથી ઓછો જોખમી છે. દિલ્હી ઝોન 4 માં આવે છે. જ્યાં મોટો ભૂકંપ આવી શકે છે. હિમાલય વિસ્તાર, કચ્છ અને ઉત્તરપૂર્વ ભારત પણ ભૂકંપના જોખમવાળા વિસ્તારોમાં છે.
રિક્ટર સ્કેલ પ્રમાણે અસર
- 4 થી 4.9: હલકા ઝાટકા, વસ્તુઓ ખસી શકે
- 5 થી 5.9: ભારે વસ્તુઓ હલી શકે
- 6 થી 6.9: દિવાલોમાં તિરાડો પડી શકે
- 7 થી 7.9: ઇમારતો ધરાશાયી થઈ શકે
- 8 કે તેથી વધુ: સુનામી અને ભારે વિનાશ