Bharuch

ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું

ભરૂચ જિલ્લામાં આજે 20 ડિસેમ્બરની વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જિલ્લાના જંબુસર તાલુકા નજીક સવારે 4:56 વાગ્યે ભૂકંપ નોંધાયો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિ નુકસાન થયું નથી.

સિસ્મોલોજીકલ વિભાગ દ્વ્રારા મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચ શહેરથી આશરે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું. આજે વહેલી સવારે અચાનક ધરતી ધ્રુજતાં કેટલાક વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. ટૂંકા સમય માટે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ સ્થિતિ ઝડપથી સામાન્ય બની ગઈ હતી.

ભૂકંપની અસર ભરૂચ જિલ્લાના આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાઈ હોવાની ચર્ચા છે. જોકે આંચકો હળવો હોવાથી લોકો પોતાના ઘરમી બહાર દોડી આવ્યા હતા. જેથી કોઈ ગંભીર સ્થિતિ સર્જાઈ નહોતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા અને ફોન દ્વારા એકબીજાને માહિતી આપી હતી.

જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ કટોકટી જેવી પરિસ્થિતિ નથી. તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને ભૂકંપ બાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

પ્રશાસન દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈ પણ અસામાન્ય ઘટના જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top