આજ રોજ મંગળવારે તા. 30 સપ્ટેમ્બરની વહેલી સવારે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ ભૂકંપની તીવ્રતા 4.7 હતી અને તેનું કેન્દ્ર મણિપુરના ઉખરુલથી લગભગ 27 કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું હતું. ભૂકંપ જમીનથી લગભગ 15 કિમી ઊંડાઈએ આવ્યો હતો. આના કારણે મ્યાનમાર ઉપરાંત ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ઝાટકા અનુભવાયા હતા. આસામ, મણિપુર અને નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં લોકો ગભરાઈ ગયા હતા.
કયા શહેરોમાં અનુભવાયા આંચકા
ભૂકંપના આંચકા ઉત્તરપૂર્વ ભારતના અનેક શહેરોમાં અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ નાગાલેન્ડના વોખાથી 155 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, દિમાપુરથી 159 કિમી દક્ષિણ-પૂર્વમાં અને મોકોકચુંગથી 177 કિમી દક્ષિણમાં હતું. મિઝોરમમાં ન્ગોપાથી 171 કિમી અને ચંફાઈથી 193 કિમી દૂર પણ તેનો પ્રભાવ નોંધાયો હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
તાજેતરમાં વારંવાર ભૂકંપ
ઉત્તરપૂર્વીય પ્રદેશ ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. આ પહેલા તા. 21 સપ્ટેમ્બરના રોજ મેઘાલયમાં બાંગ્લાદેશની સરહદ નજીક 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ જ રીતે તા. 14 સપ્ટેમ્બરે મ્યાનમારમાં 4.6 તીવ્રતાનો ઝાટકો નોંધાયો હતો. વારંવાર આવતા આંચકા દર્શાવે છે કે આ વિસ્તાર ભૂકંપીય પ્રવૃત્તિ માટે જોખમી છે.
કેમ જોખમ વધુ છે
મ્યાનમાર ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટો ભારતીય, યુરેશિયન, સુંડા અને બર્મા પ્લેટોના સંગમ પર આવેલું છે. આ કારણે ત્યાં વારંવાર ભૂકંપ આવે છે. ખાસ કરીને સાગાઈંગ ફોલ્ટ 1,400 કિમી લાંબો છે. જેના કારણે સાગાઈંગ, મંડલે, બાગો અને યાંગોન જેવા વિસ્તારો પર વધુ જોખમ છે. ઐતિહાસિક રીતે પણ અહીં ભારે નુકસાન કરનારા ભૂકંપ નોંધાયા છે. 1903ના બાગો ભૂકંપ (7.0 તીવ્રતા) એ યાંગોન જેવા વિસ્તારોને પણ અસર પહોંચાડી હતી.
હાલના આંચકામાં કોઈ જાનહાની કે મોટા નુકસાનના સમાચાર નથી પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ વિસ્તાર સતત જોખમ હેઠળ છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ ભૂકંપના ઝાટકાઓ સામાન્ય છે. તેથી સાવચેતી રાખવી જરૂરી છે.
આ રીતે તાજેતરના મ્યાનમાર ભૂકંપે ફરી એકવાર બતાવ્યું કે દક્ષિણ એશિયાનો આ વિસ્તાર ભૂકંપીય પ્રવૃત્તિ માટે અત્યંત સંવેદનશીલ છે.