અધિકારી મિટિંગમાં વ્યસ્ત હોઈ અરજદારો તાપમાં શેકાયા :
સરકારી અનાજના ગોડાઉન ખાતે પુરવઠા શાખાની ઝોનલ 1 ની કચેરી બહાર અરજદારોની ભીડ જામી :
સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે શહેરના હુજરાત પાગા સરકારી અનાજના ગોડાઉન ખાતે આવેલી પુરવઠા શાખાની ઝોનલ 1 ની કચેરીમાં લિંક કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કામગીરી બપોરના 12 વાગ્યા સુધી શરૂ નહિ થતા વહેલી સવારથી આવેલા અરજદારો અટવાયા હતા. વિલંબથી કામગીરી શરૂ થતાં અરજદારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના હુજરાત પાગા સરકારી અનાજના ગોડાઉનમાં કેવાયસીની કામગીરી કરવામાં આવે છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો કેવાયસી કરાવવા માટે આવતા હોય છે. સાથે સાથે હાલ ચૂંટણીલક્ષી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીનું કામ હોવાથી કેવાયસીનું કામ કરનાર અધિકારી ઓફિસમાં વ્યસ્ત રહે છે. અધિકારીના થંબ ઈમ્પ્રેશનથી સમગ્ર સિસ્ટમ શરૂ થાય છે. પરંતુ હવે અધિકારી ચૂંટણીલક્ષી તૈયારીઓમાં વ્યસ્ત હોવાથી કેવાયસી માટે આવેલા અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હાલ ગરમી અને ઉકળાટ વચ્ચે લોકોને હાલાકી પડતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યાપ્યો છે. લોકોના આક્ષેપ છે કે વહેલી સવારથી આવીને અમે બેસી રહીએ છીએ, અધિકારીઓ ન ફરકતા ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. ઓફિસમાં પહોંચતા યોગ્ય જવાબ પણ મળતો નથી તેમજ જો અધિકારી ચૂંટણીલક્ષી તૈયારીઓમાં વ્યસ્ત હોય તો જેટલા દિવસ કામગીરી ન થવાની હોય તેટલા દિવસ માટે સૂચનાનું અહીં બોર્ડ મારવામાં આવે તેવી માંગ કરી હતી. ફરજ પર હાજર ઓપરેટરે જણાવ્યું હતું કે કલેકટર કચેરીમાં મીટીંગ હોવાથી મેડમ ત્યાં ગયા છે. જાણ કરી દીધી છે, મીટીંગ પૂર્ણ થયા બાદ તરત જ મેડમ આવી જશે. અરજદારે જણાવ્યું હતું કે મારે આધાર કાર્ડ અને રેશનકાર્ડ લિંક કરાવવાનું છે મારી સાથે મારી ધર્મ પત્ની છે, અને એ સિવાય પણ બીજા 100 થી વધુ લોકો એમાં સિનિયર સીટીઝન પણ બહાર તાપમાં બેઠેલા છે, સવારે 10:00 વાગ્યાના આવ્યા છીએ અમે સિનિયર સિટીઝન છે અને ગરમીમાં શેકાઈ રહ્યા છીએ, મેડમ આવ્યા નથી, અમે પણ જાણીએ છીએ કે ચૂંટણીનું કામ છે, પણ બીજા કોઈ માણસને મૂકવા જોઈએ. જેથી કરીને સિનિયર સિટીઝનો જે તાપમાં તપી રહ્યા છે, એ ન થાય. જોકે નાયબ મામલતદાર આવતા કામગીરી શરૂ કરવામાં આવી હતી.