SURAT

સુરતમાં GST રજિસ્ટ્રેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી વિના 242 ડાઇંગ હાઉસ ધમધમતા હોવાનું કૌભાંડ

સુરત: સુરત મહાનગર પાલિકા (SMC)ની હદમાં અને શહેરી વિસ્તારમાં જીએસટી રજિસ્ટ્રેશન (GST Registration) વિના અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની કોઇ પણ પ્રકારની મંજૂરી વિના 242 જેટલા ગેરકાયદે ડાઇંગ હાઉસ (Dyeing house) ધમધમતા હોવાનું કૌભાંડ બહાર આવ્યુ છે.

મુખ્યમંત્રી (CM)ને મળેલી દરખાસ્ત પછી રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા સુરત સહિતના શહેરી વિસ્તારોમાં સોલિડ વેસ્ટ (Solid waste) ઉત્પન્ન કરતા કેટલા યુનિટો ચાલી રહ્યા છે. તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણની કામગીરીમાં જિલ્લા ઉદ્યોગ વિભાગ, મામલતદાર, સુરત મહાનગર પાલિકા, ખાનગી અને સરકારી વીજ કંપની, જીપીસીબી, જીએસટી વિભાગ સહિતના સરકારી તંત્રને કામે લગાડવામાં આવ્યા હતાં.

તે દરમિયાન ચોંકાવનારી માહિતી એવી સામે આવી હતી કે, સુરત મનપાના ઉધના, કતારગામ, લિંબાયત, સેન્ટ્રલ અને વરાછા ઝોનમાં ગેરકાયદે 242 જેટલા ડાઇંગ હાઉસ ચાલી રહ્યા છે. નવાઇની વાત એ છે કે આ ડાઇંગ હાઉસો જીએસટીમાં રજિસ્ટર્ડ નથી. તે ઉપરાંત તેની પાસે ઇએસઆઇ, પીએફ, લેબર એક્ટ, ઇલેક્ટ્રિક કનેક્શન, ગેસ કનેક્શન, બોઇલર એક્ટ અને પાલિકાનું ગુમાસ્તા ધારાનું લાઇસન્સ કે એનઓસી નહીં હોવા છતા આ તમામ ડાઇંગ હાઉસોને સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને પગલે વીજ કનેક્શન અને ગેસ કનેક્શન પણ મળી ગયા છે.

આ પ્રકારનો ડેટા સામે આવ્યા પછી ઇન્ડસ્ટ્રીઝ વિભાગે જીઆઇડીસીના એમડી, જીપીસીબીના મેમ્બર સેક્રેટરી, મ્યુ.કમિશનર, ફેક્ટરી અને બોઇલર નિરીક્ષક કચેરી સહિતના વિભાગોને કાર્યવાહી કરવા તાકિદ કરી છે. સુરતના પર્યાવરણવિદ એમએસએચ શેખે જણાવ્યું હતું કે, સુરતના શહેરી વિસ્તારમાં માત્ર ડાઇંગ હાઉસો નહીં પરંતુ હાઇસ્પીડ વીવિંગ એકમો પણ ગેરકાયદે ચાલી રહ્યા છે અને બધાજ સરકારી તંત્રોને તેની સંપૂર્ણ માહિતી છે. તેમ છતાં આ ગોરખધંધો લાંબા સમયથી ચાલી રહ્યો હતો.

ગેરકાયદે ડાઇંગ હાઉસનું વેસ્ટ વોટર ખાડીઓ અને પાલિકાની સ્ટોર્મ ડ્રેનેજમાં ઠલવાય છે

શહેરી વિસ્તારમાં આવેલી જીઆઇડીસીઓની પેરીફેરીમાં ધમધમતા ગેરકાયદે ડાઇંગ-હાઉસોને જીઆઇડીસીના યુનિટોની જેમ સીઇટીપીમાં મેમ્બરશીપ આપવામાં આવતી નથી. તેને લીધે આ પ્રકારના ગેરકાયદે ડાઇંગ હાઉસના સંચાલકો શહેરી વિસ્તારમાં આવેલી ખાડીઓ અને પાલિકાની સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં સોલિડ વેસ્ટવાળુ ગંદુ પાણી ઠાલવી દેતા હોય છે. તે વેસ્ટ ક્યાંક તો તાપી, મીંઢોળા નદીમાં અથવા દરિયામાં જતું રહે છે.

રાંધણગેસના સિલિન્ડરની મદદ લઇ મીની બોઇલર થકી ડાઇંગ હાઇસના સ્ટેન્ટર ચલાવવામાં આવે છે

સુરતના શહેરી વિસ્તારમાં 242 જેટલા ગેરકાયદે ડાઇંગ હાઉસો ચાલવાના મામલે ઔદ્યોગિક હવાલો સંભાળતા સરકારી વિભાગો, પાલિકા, જીપીસીબી અને વીજ કંપનીઓ આ પ્રવૃતિ અંગે અગાઉથી માહિતી ધરાવતી નહોય તે માનવામાં નહીં આવે તેવી બાબત છે. કારણ કે નાગરિક વસાહતો અને જીઆઇડીસીની વસાહતોની વચ્ચે આ ડાઇંગ એકમો ચાલી રહ્યા છે. નવાઇની વાત એ છે કે ગેરકાયદે મીની બોઇલર સાથે સ્ટેન્ટર ચલાવવા માટે મિલ માલિકો રાંધણ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છે. છ કલાક કલાક ડાઇંગ કરવા માટે આઠથી દસ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં જો સંગ્રહ કરવામા આવેલા સિલિન્ડર ફાટે તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.

ગેરકાયદે ડાઇંગ હાઉસોને લીધે સિટીમાં આવેલી કાયદેસરની 45 મિલોનું શિફ્ટિંગ અટક્યું

શહેરી વિસ્તારમાં સુરત મનપાની હદમાં ધમધમતા 250 જેટલા ગેરકાયદે ડાઇંગ હાઉસોના લીધે સિટી લિમિટમાં કતારગામ, વરાછા, ઉધના અને સેન્ટ્રલ ઝોનમાં ચાલતી 45 જેટલી પ્રોસેસિંગ મિલોનું શિફ્ટિંગ કામ અટકી ગયું છે. સરકાર દ્વારા નાગરિક વસાહતમાં ચાલતી મિલોનું સ્થળાંતર કરાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે તે શિફ્ટિંગ ઘોંચમાં મુકાયું છે.

Most Popular

To Top