રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM RUPANI) વડોદરામાં એક સભાને સંબોધી રહ્યા હતા, દરમિયાન બેભાન થયા બાદ સોમવારે તેમનો કોવિડ ટેસ્ટ (COVID TEST) કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ (POSITIVE) આવતા હાલ હોસ્પિટલાઇઝ છે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને નહીં અપાય..
નાયબ મુખ્યમંત્રી નીતિન (DYCM NITIN PATEL) પટેલે જણાવ્યું હતું કે હાલ કોરોના પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રીની સારવાર કરાઇ રહી છે, અને CM રૂપાણીનું ઓક્સિજન લેવલ પણ હાલ નોર્મલ છે.. મુખ્યમંત્રીને કોરોનાનાં હળવા લક્ષણો છે. તેઓને 14 દિવસ સુધી કવોરન્ટાઇન રાખવામાં આવશે. દરરોજ બે ટાઇમ મુખ્યમંત્રીનું ચેકઅપ કરાશે અને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર થઇ શકે છે. અને ત્યારબાદ પણ ડોકટરને યોગ્ય જણાય પછી રજા અપાશે..
ગુજરાત બીજેપીમાં કોરોના વિસ્ફોટ :
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં મોરચો સંભાળી કોંગ્રેસનો ગઢ ગણાતા તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા હતા. જોકે વડોદરામાં ચાલુ સભાએ મુખ્યમંત્રી બોલતા બંધ થઇ ગયા હતા. અને હોસ્પિટલ ખસેડી તપાસ કરતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, બીજી તરફ ભીખુભાઇ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદભાઇનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ ગુજરાત બીજેપીમાં પ્રચાર પ્રસાર પર અસર પડે તેમ છે. જો કે બંનેની તબિયત હાલ સારી છે અને મુખ્યમંત્રી રૂપાણીની પણ સારવાર ચાલી રહી છે.
જાણવા મળ્યું છે કે હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અન્ય કોઇ બિમારી નથી, જો કે તેમને સ્પેશિયલ રૂમમાં રાખીને તેમની સંપૂર્ણ સારવાર કરવામાં આવનાર છે. જો કે ફરી રિપોર્ટ નેગેટિવ આપ્યા બાદ જ ડિસ્ચાર્જ મળે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે, જો કે તેમના સંપર્કમાં આવેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે, કારણ કે આ પ્રચાર દરમિયાન તેમને સતત લોકો સાથે મળવાનું થતું હોય છે, જેથી તંત્ર ગંભીરતા દાખવી આ મુદ્દે લોકોને આગળ આવવાની અપીલ કરી છે.
મહત્વની વાત છે કે પ્રચાર પ્રસારમાં અવ્વલ બીજેપી સરકારના અન્ય નેતા-કાર્યકર્તાએ આ કિસ્સા પરથી શીખ લેવી રહી. કારણ કે હજી કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી, રસી શોધવી એ માત્ર અડધી જંગ જીતવા સમાન છે, પણ સંપૂર્ણ યુદ્દ જીતવા માટે ચૂંટણી જંગ સમયે પણ તકેદારીના પગલાં લેવા રહ્યા.