વાપી : વાપી જીઆઇડીસી (vapi gidc) ચાર રસ્તા પાસે પોલીસે મારૂતી સુઝુકી બ્રેઝા કારમાં દમણીયો દારૂ (liquor)ની વ્હીસ્કીની બોટલો ઝડપી પાડી ડ્રાઇવરની અટક (arrest) કરી હતી. જયારે આ કારનું પાઇલોટિંગ કરતી બીજી વ્હાઇટ કલરની સ્વીફ્ટ કારના ચાલક તથા દારૂ ભરાવી આપનારને પોલીસે આરોપી બનાવ્યો છે. મુખ્ય આરોપી તરીકે અમરેલીના રીયાઝ રહેમાન પઠાણ સામે ગુનો નોંધ્યો છે. તેમજ પકડાયેલી કારની નંબર પ્લેટ (Duplicate number plate) પણ ખોટા રજીસ્ટ્રેશનની હોવાનું જણાતા વિવિધ કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે બ્રેઝા કારને રોકવા ઇશારો કર્યો પરંતુ તે કાર ઝડપથી હંકારી નીકળી ગયો હતો. તેની પાછળ ગ્રે કલરની બ્રેઝો કાર આવતા તેને રોકતા દમણની બનાવટના વ્હીસ્કીનો જથ્થો ઝડપાઇ ગયો હતો. પોલીસે 147 બોટલ વ્હીસ્કીની કબજે લીધી હતી. જેની કિંમત 118400 બતાવવામાં આવે છે. તથા મોબાઇલ અને કાર સાથે રૂ. 621900નો મુદ્દામાલ કબજે લીધો છે. વાપી ટાઉન પોલીસ મથકમાં દારૂ ભરાવનાર પાઇલોટિંગ કરી રહેલા અમરેલી મિની કસ્બામાં રહેતા રીયાઝ રહેમાન પઠાણને મુખ્ય આરોપી બનાવી ગુનો નોંધ્યો છે. કાર ચાલકે આ દારૂ તેના શેઠ રીયાઝ પઠાણે ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે હમણાં તો કાર ચાલકને અટકમાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. જયારે દારૂ સાથે ઝડપાયેલા કાર ચાલક અમરેલીના મહમદ ઝાકીર સમશેરખાન પઠાણ તથા દમણમાં દારૂ ભરાવી આપનાર અભિ નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાથી આ અંગે પણ પોલીસે કલમ ઉમેરી તપાસ હાથ ધરી છે.
વાપી હાઇવેના સર્વિસ રોડ પર ફિલ્મી ઢબે પોલીસે પીછો કરી દારૂ ઝડપી પાડ્યો
વાપી : વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દમણથી ચીખલી લઇ જતા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સેન્ટ્રો કારમાં દારૂ લઇને નીકળેલા મોટી દમણના કાર ચાલકે પોલીસથી બચવા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર કારને ભગાવી હતી. જેનો પીછો ફિલ્મી ઢબે પોલીસે કરતા કાર ચાલકની કાર હાઇવે રેલિંગ સાથે અથડાઇ હતી. કારના અકસ્માત બાદ કાર ચાલક ભાગવા જતા પોલીસે દાડીને તેને પકડી લીધો હતો. પોલીસે સેન્ટ્રો કાર તથા 468 બોટલ વ્હીસ્કી, બીયરના ટીન તથા બીયરની બોટલ જેની કિંમત રૂ.61200 તથા કાર તથા મોબાઇલ ફોન સાથે કુલ મુદ્દામાલ રૂ. 366700 કબજે લઇ કાર ચાલક સહિત છ શખ્સો સામે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. પોલીસે કાર ચાલક મોટી દમણના દ્રિજેશ ઉત્તમભાઇ હળપતિની અટક કરીને અન્ય પાઇલોટિંગ કરતા પાંચ શખ્સો સામે ગુનો નોંધી બાકીના પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે.
દમણમાં દારૂ ભરાવી આપનાર સાનુએ ચીખલીના રાકેશને મોકલવા માટે દારૂ આપ્યો હતો. ચીખલી જઇને કાર ચાલકે સોનુને ફોન કરવાનો હતો. વાપી જીઆઇડીસી પોલીસે ચીખલીના રાકેશ તેમજ દમણના દિનેશ હળપતિ, અરવિંદ ઉર્ફે લવલી રમેશ હળપતિ તથા નિલેશ ગંગારામ તથા ગાઇમા પારડીના મનસુખ ઉર્ફે મહલો ઇશ્વરભાઇ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.