સુરત: આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાની શુક્રવારે ભાવનગર પોલીસે (Bhavnagar Police) કથિત ડમી પરીક્ષાર્થી કાંડના આરોપીઓનાં નામ છતાં ન કરવા માટે ખંડણી વસૂલ્યાના આરોપસર ધરપકડ (Arrest) કરી હતી. જે મામલે આમ આદમી પાર્ટીના સુરત શહેરના પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ તાત્કાલિક યુવરાજસિંહ જાડેજાને છોડવાની માંગણી મુખ્યમંત્રીને કરી છે. આટલું જ નહીં સમગ્ર કાંડની તપાસ પોલીસને બદલ હાઇકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવાની પણ માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના સુરત શહેરના પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અનેક વખત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં નિષ્ફળ રહી છે. પેપર ફૂટ્યા છે અને પરીક્ષાઓ રદ કરવી પડી છે. જો કે, દર વખતે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા છે અને તેનાથી ગુજરાત સરકારને ગુનેગારો સુધી પહોંચવામાં મદદ મળી છે. પરંતુ દરેક વખતે ગુજરાત સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી લેતી નથી. ખરેખરમાં તો ગુજરાત સરકારે યુવરાજસિંહનું જાહેરમાં બહુમાન કરવું જોઇએ. ગુનેગારોનાં નિવેદન આધાર પર યુવરાજસિંહનો આરોપી બનાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવી છે તથા રિમાન્ડ માંગવા એ રાજ્ય સરકારની નિષ્ઠા વિશે શંકા ઊભી કરી રહી છે.
આમ આમ આદમી પાર્ટીની માંગણી છે કે યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે, સમગ્ર કાંડની પોલીસને બદલે હાઇકોર્ટ કે સુપ્રિીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવે અને તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોનાં ભાવિ સાથે ચેડાં કરતી બાબતો સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે એવી માંગ છે.
યુવા અધિકાર ન્યાય ચળવળે પણ યુવરાજસિંહને મુક્ત કરવાની માંગ કરી
યુવા અધિકારી ન્યાય ચળવળે પણ યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું એમ છે કે, ગુજરાતમાં ડમીકાંડ 12 વર્ષથી ચાલી રહ્યું હતું. પરંતુ યુવરાજસિંહે તે કૌભાંડને ઉજાગર કર્યું હતું. ગુજરાત સરકાર કિન્નાખોરી રાખી ખોટા આરોપોમાં ફસાવી યુવાનોના એકમાત્ર અવાજને યેનકેન પ્રકારે દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. જેથી યુવરાજસિંહને મુક્ત કરવામાં આવે તેમના પર લગાવેલા ખોટા આરોપોમાંથી મુક્ત કરવામાં આવે એવી માંગ છે.