ગાંધીનગર: ડમી ઉમેદવાર કૌભાંડને (Dummy candidate scam) સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેં જે નામો આપ્યા છે તેની તપાસ થતી નથી. મારા સમન્સ (Summons) નીકળતા હોય તો, પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના પણ સમન્સ નીકળવા જોઈએ, એવું ડમી ઉમેદવાર કૌભાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થતા પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું.
યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડમીકાંડમાં સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા સમન્સ નીકળતા હોય તો પછી અશિત વોરા, અવધેશ, અવિનાશ, અને પૂર્વ શિક્ષણ પ્રધાન તેમજ વર્તમાનના કેટલાક પ્રધાનોના સમન્સ નીકળવા જોઈએ. અવધેશ પટેલ, અવિનાશ પટેલ, હિરેન, જશુ ભીલ વગેરે આ કૌભાંડમાં સામેલ છે. આ તમામના પણ સમન્સ નીકળવા જોઈએ.
હીટ એન્ડ રન કે અન્ય કોઈ રીતે મને પતાવી દેવામાં આવશે : યુવરાજસિંહને સરકારનો ભય
યુવરાજસિંહ વધુમાં કહ્યું હતું કે મને પતાવી દેવામાં આવશે. મારું હીટ એન્ડ રન પણ થઈ શકે છે. કેટલાક લોકો એનકેન પ્રકારે ડમીકાંડ ઉમેદવાર કૌભાંડને દબાવવા માગી રહ્યા છે. મોટા રાજકીય નેતાઓએ ભૂતકાળમાં મને પાર્ટીમાં જોડાવા ઓફર આપી હતી. જેના તમામ પુરાવા અમારી પાસે છે. હું નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરીશ કે તમે મને બોલાવ્યો છે તો જે રાજકીય હાથો બનીને ષડ્યંત્ર કરીને રહ્યા છે તેમને પણ બોલાવવામાં આવે. મે કોઈની પાસેથી કોઈ આર્થિક વ્યવહાર કર્યો નથી. મારા દ્વારા કોઈપણ પ્રકારનો આર્થિક વ્યવહાર થયેલો નથી.