વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના પ્રભાવથી ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત, જે દેશનું મહત્વપૂર્ણ ટેક્સટાઇલ હબ માનવામાં આવે છે, ત્યાં કાપડના વેપારમાં મોટો મંદીનો માહોલ સર્જાયો છે. યુદ્ધને કારણે ઘણા દેશોમાં નિકાસ બંધ થઈ જતા સુરતના માર્કેટમાં તૈયાર માલનો જથ્થો વધતો જઈ રહ્યો છે.
સુરતથી યુરોપ અને ગલ્ફ દેશોમાં મોટા પ્રમાણમાં ટેક્સટાઇલ માલની નિકાસ થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ઓર્ડર ઘટી ગયા છે. પરિણામે વેપારીઓ પાસે તૈયાર કાપડનો સ્ટોક વધી રહ્યો છે અને નવી પ્રોડક્શન પર પણ અસર પડી રહી છે. ઘણા ઉદ્યોગકારોએ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.
યાર્ન, કલર-કેમિકલ અને કોલસાના ભાવમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધી ગયો છે. કાચા માલના વધતા ખર્ચને કારણે તૈયાર માલની કિંમતમાં વધારો થયો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની છે. ઉપરાંત, ગેસ અને પેટ્રોલિયમના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ગલ્ફ અને યુરોપ દેશોમાં શિપમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ તો માલ પહોંચાડવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેના કારણે ડિલિવરી સમયસર ન થતા પેમેન્ટ પર પણ અસર પડી રહી છે. આ પરિસ્થિતિનો સીધો અસર નાના અને મધ્યમ ઉદ્યોગો પર જોવા મળી રહ્યો છે.
કાપડ ઉદ્યોગકારો માને છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ નુકસાન સહન કરવું પડશે. હાલ માટે વેપારીઓ સરકાર પાસે સહાય અને રાહત પેકેજની માંગ કરી રહ્યા છે જેથી ઉદ્યોગને ફરી ગતિ મળી શકે.
આ રીતે યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક અનિશ્ચિતતાનો અસર સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જ્યાં કાપડ વેપારીઓ અને ઉદ્યોગકારો બંને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.