Comments

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારોને કારણે ભારતના ઇન્ફર્મેશનટેક્નોલૉજી ક્ષેત્રે થયેલું મોટું ધોવાણ કેટલું કાયમી, કેટલું ઑવર રીએક્શન?

શૅરબજારમાં થોડી ઘણી પણ સ્થિરતા આવી રહી હોય તેવું દેખાતું હતું, બજારનું વલણ સુધારાતરફી હતું, ત્યારે એકાએક ૧૧ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી વચ્ચે સેન્સેક્સે ૧,૬૪૭ પોઇન્ટ (૧.૯૬ ટકા) જેટલી ગોથ ખાધી. હજુ પણ શૅરબજાર કઈ દિશામાં જશે અને આવનાર સમયમાં તેની ચાલ કેવી રહેશે એ કળવું મુશ્કેલ છે. ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ભારે ફટકો પડશે તેવી દહેશત વચ્ચે છેલ્લા અઠવાડિયામાં આ કંપનીઓના બજારમૂલ્યમાં લગભગ છ લાખ કરોડ જેટલું ધોવાણ થયું, જેને કારણે એક સમયે બ્લુચીપ ગણાતી કંપનીઓ જેવી કે ઇન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રોમાં ૧૩થી ૨૧ ટકા સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે.

 એવી દહેશત સેવાય છે કે, ક્લાઉડ ૪.૬ જેવા એઆઈ ટુલ્સના ઉપયોગથી ઘણા બધા કાર્યો આપમેળે થઈ જશે અને હેડકાઉન્ટ આધારિત બિલિંગ ઘટી જશે જે આઈટી ક્ષેત્રની કંપનીઓના ધંધામાં તેમજ નફાકારકતામાં મોટાપાયે ગાબડું પાડશે. આટલું જેમ ઓછું ન હોય તેમ અમેરિકન અર્થવ્યવસ્થા અત્યારે મંદી અને બેરોજગારીનો સામનો કરી રહી છે અને આજની પરિસ્થિતિમાં ત્યાંની અર્થવ્યવસ્થા તણાવગ્રસ્ત સ્થિતિમાં ચાલી રહી છે એટલું જ નહીં પણ નજદીકના ભવિષ્યમાં એમાં સુધારો થાય તેવાં કોઈ એંધાણ દેખાતા નથી, જેને કારણે ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રની સેવાઓની નિકાસ ઉપર પણ મોટી અસર પડશે.

 અત્યાર સુધી અમેરિકાની ઘણી બધી કંપનીઓ સસ્તા માનવબળનો લાભ લેવા ભારત જેવા દેશોમાં આઉટસોર્સિંગ કરી રહી હતી તે હવે આઉટકમ આધારિત મૉડેલ તરફ ઢળી રહ્યા છે, જે પરંપરાગત આઉટસોર્સિંગ પર મોટું દબાણ ઊભું કરી રહ્યું છે, જેની સીધી અસર ભારતની આઇટી કંપનીઓને થાય તેવી દહેશતે એમના શેરોના ભાવે ખીણમાં છલાંગ લગાવી છે. જોકે, આ બધી કંપનીઓ ઉચ્ચ ટેકનીકલ ક્ષમતા ધરાવતા માનવબળથી સંચાલિત છે અને એઆઈને કારણે જે બદલાવ આવવાના છે તેના સામે એકદમ ઝૂકી જશે એવું માનવાને કોઈ કારણ નથી.

 હા, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ખાસ કરીને આ સેક્ટર અમેરિકા પર આધારિત છે ત્યારે એને કળ વળતાં અને બેઠા કરતાં થોડો સમય લાગશે. એટલા પૂરતું શૅરબજારમાં આ કંપનીઓના ભાવ સ્થિર બને અને વળી પાછા વધવા માંડે તે સ્થિતિએ પહોંચતા કેટલો સમય લાગશે તેનો અંદાજ કાઢીને ભારતીય આઈટી કંપનીઓને થના૨ અસર કેટલા સમયગાળા માટેની હશે એ રોકાણકારોએ સમજવાનું રહેશે. આ અસ્થિરતા ભારતની આવનાર પેઢી માટે નવી તકો સમજવાનો અને એ દિશામાં પોતાના વહાણનો સઢ બદલવાનું કામ કરવા પડકાર તેમજ તકો બંને લઈને આવે છે.

 એજન્ટિક AI અને ઓટોમેશન: Anthropicના Claude (ખાસ કરીને Claude Cowork અને Claude Code જેવા નવા ટૂલ્સ) જેવા અદ્યતન AI એજન્ટ્સ હવે સ્વયંસંચાલિત રીતે કોડ લખી શકે છે, બગ ફિક્સ કરી શકે છે, વર્કફ્લો ચલાવી શકે છે અને પુરા પ્રોજેક્ટ્સ હેન્ડલ કરી શકે છે. આનાથી પરંપરાગત હેડકાઉન્ટ-આધારિત આઉટસોર્સિંગ (જેમાં કંપનીઓ માણસોના આધારે બિલિંગ કરે છે) પર મોટું જોખમ છે. રુટિન કોડિંગ, ટેસ્ટિંગ, કોન્ટ્રાક્ટ રિવ્યૂ, ડેટા પ્રોસેસિંગ જેવા કાર્યો આપમેળે થઈ શકે છે. AIથી ડેવલપર્સની સ્પીડ 2-12x વધી શકે છે, પરંતુ આનો અર્થ એ છે કે ક્લાયન્ટ્સને ઓછા માણસોની જરૂર પડે છે.

જોકે દરેક સિક્કાને બે બાજુ હોય છે. અમાસની કાળી રાતનું ઘનઘોર અંધારું પણ કાયમી નથી હોતું. એના પછી સૂર્યોદય થાય જ છે, એ કુદરતનો નિયમ છે, એટલે હાલમાં શૅરબજારે જે પ્રતિભાવ આપીને ભૂસકો માર્યો છે, તે ભંગાણને જે. પી. મોર્ગન તેમજ અન્ય વિશ્લેષકો વધારે પડતો ગભરાટ અને ઑવર રિએક્શન ગણે છે અને તેમના મત મુજબ લાંબા ગાળે ‘ઘીના ઠામમાં ઘી’ પડી રહેશે. કેમ કે ભારતીય IT કંપનીઓ પાસે ડોમેઇન એક્સપર્ટાઇઝ, ક્લાયન્ટ રિલેશન્સ અને કોમ્પ્લેક્સ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ્સનું જ્ઞાન છે. આ એઆઈ રિપ્લેસ કરી શકતું નથી. ભારતમાં એઆઈ ટેલેન્ટનો મોટો પુલ છે (વિશ્વના 16% એઆઈ ટેલેન્ટ), અને 2025-26માં 40%+ IT વર્કફોર્સ AI ટૂલ્સ વાપરે છે. ઉપરાંત AIની અસર રાતોરાત નહીં આવે.

 એઆઈની અસર વૈશ્વિક ટેક્નોલૉજી ક્ષેત્ર પર આખાય ૨૦૨૬ દરમિયાન ખૂબ જ તીવ્ર અને બેધારી થશે એમાં કોઈ જ શંકા નથી. એ જાણવું પણ જરૂરી છે કે, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સંશોધનના ક્ષેત્રે મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે, જેને કારણે વૈશ્વિક ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રનું ખર્ચ છ ટ્રિલિયન ડૉલરથી વધુ થશે, જ્યારે બીજી તરફ આ બધાને કારણે આવનાર બદલાવ તેમજ ભંગાણ એ અસ્તવ્યસ્તતાની ચિંતાઓને કારણે સૉફ્ટવેર, આઈટી સર્વિસીસ તેમજ અન્ય સેક્ટર્સમાં કમ-સે-કમ નજદીકના ભવિષ્યમાં શૅરબજારમાં વેચાણ તરફી ચાલ રહેશે એમ માનીને ચાલવું વાસ્તવિકતાની વધુ નજદીક હશે. ૨૦૨૬માં Microsoft, Amazon, Alphabet/Google, Meta AI પર $600-650 બિલિયન (લગભગ ₹50-55 લાખ કરોડ)નું રોકાણ કરવાનું પ્લાન કરી રહ્યા છે. આમાં ડેટા સેન્ટર્સ, એઆઈ ચિપ્સ, ક્લાઉડ અને એજન્ટિક એઆઈ માટેનું રોકાણ સામેલ છે. ગ્લોબલ AI સ્પેન્ડિંગ $2 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, અને સેમિકન્ડક્ટર માર્કેટ 25%+ વધીને $975 બિલિયન થઈ શકે છે.

AIથી વ્હાઇટ-કોલર જોબ્સ (ખાસ કરીને એન્ટ્રી-લેવલ)માં 10-20% ઘટાડો થઈ શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને McKinsey અનુસાર, AI 85-300 મિલિયન જોબ્સને અસર કરી શકે છે, પરંતુ તેનાથી નવા જોબ્સ અને પ્રોડક્ટિવિટી બૂસ્ટ પણ આવશે. આ તોફાનમાં, હાઇપરસ્કેલર્સ (NVIDIA, AMD જેવા ચિપ મેકર્સ સાથે) ફાયદામાં છે, જ્યારે પરંપરાગત સોફ્ટવેર/IT કંપનીઓને અડોપ્શન અને રિ-સ્કિલિંગની જરૂર છે. ભારતીય IT પણ આ જ ચેલેન્જનો સામનો કરી રહ્યું છે, પરંતુ ડોમેઇન એક્સપર્ટાઇઝથી તકો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top