National

પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દિલ્હી મુલાકાતથી રાજધાનીના હોટલ ઉદ્યોગમાં અચાનક તેજી આવી છે. શહેરની તમામ મોટી લક્ઝરી હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ રૂમના ભાડામાં ભારે વધારો નોંધાયો છે. થોડા દિવસો પહેલા જે રૂમ પ્રતિ રાત્રિ 50 હજારથી 80 હજાર રૂપિયા મળતા હતા તે જ રૂમ હવે 1 થી 1.3 લાખ રૂપિયા સુધીના દરે બુક થઈ રહ્યા છે.

પુતિન ક્યાં રોકાશે?
માહિતી મુજબ વ્લાદિમીર પુતિન ITC મૌર્યના 4,700 ચોરસ ફૂટના ગ્રાન્ડ પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રોકાશે. આ સ્યુટનો પોતાનો ખાસ ઇતિહાસ છે. અમેરિકાના ત્રણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જો બિડેન અને બિલ ક્લિન્ટન પણ આ જ સ્યુટમાં રોકાઈ ચૂક્યા છે.

આ સ્યુટમાં બે બેડરૂમ, રીડિંગ રૂમ, મીની સ્પા, ખાનગી જિમ અને 12 સીટર ડાઇનિંગ રૂમ સહિત તમામ ટોપની સુવિધાઓ ઉપલબ્ધ છે. હોટેલના જાણીતા રેસ્ટોરન્ટ્સ, બુખારા અને દમ-પુખ્તને પણ પુતિન અને તેમના પ્રતિનિધિમંડળને ધ્યાનમાં રાખીને અપડેટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલે હોટેલને હાઈ-સિક્યોરિટી ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીની ફાઇવ-સ્ટાર હોટલો પૂરી ભરાઈ
પુતિનના સમગ્ર પ્રતિનિધિમંડળે દિલ્હી અને આસપાસની લગભગ તમામ મોટી હોટલો બુક કરી લીધી છે. તાજ પેલેસ, ઓબેરોય, લીલા પેલેસ અને મૌર્ય જેવી ટોપની હોટલોમાં એક પણ રૂમ ખાલી નથી. જેને કારણે હોટલોના રૂમના ભાવ જે પહેલા પ્રતિદિન 50થી 80 હજાર હતા આજે એ જ રૂમના ભાવ 1થી 1.3 લાખ થઈ ગયા છે.

પુતિનના ભોજન પર ખાસ નજર
અહેવાલ મુજબ પુતિનના ભોજન પર પ્રવાસ દરમિયાન બહુ સ્તરીય સુરક્ષા રહે છે. તેમની ટીમ મંજૂરી આપ્યા વગર તેમને કંઈ પણ પીરસવામાં આવતું નથી.

તેમનો નાસ્તો સામાન્ય હોય છે. જ્યારે વર્કઆઉટ પછી તેઓ પ્રોટીન માટે સ્ટીક, ક્વેઈલ એગ્ અને ગ્રીન ટી લે છે. તેમને પિસ્તા આઈસ્ક્રીમ ખાસ ગમે છે અને તેઓ દારૂથી દૂર રહે છે.

ભારત-રશિયા સંબંધોમાં વધુ મજબૂતી
યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત હોવાથી રાજદ્વારી દ્રષ્ટિએ તેને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચર્ચા છે કે બંને દેશો વચ્ચે રક્ષા, વેપાર, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણા મુખ્ય કરારો થઈ શકે છે.

અમેરિકા સાથે તણાવભર્યા સંબંધોની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારત માટે રશિયા સાથે સહકાર વધારવો વ્યૂહાત્મક રીતે જરૂરી બની ગયો છે.

Most Popular

To Top