Gujarat

ગેસની અછતને કારણે આમ જનતા પુનઃ લાઈનમાં ઉભી રહેવા મજબુર – ડૉ. મનીષ દોશી

કેન્દ્રની મોદી સરકાર –ભાજપા સરકારના અવિચારી પગલા અને આયોજનના અભાવે દેશની જનતાને નોટબંધી, GST, કોરોના – લોકડાઉન, ઓક્સીજન, ઇન્જેક્શન, SIR અને હવે ગેસની લાઈનમાં ઉભા રહેવા મજબુર કર્યા

અમદાવાદ ,તા. 16

કેન્દ્રની મોદી સરકાર –ભાજપા સરકારના અવિચારી પગલા અને આયોજનના અભાવે દેશની જનતાને નોટબંધી, GST, કોરોના – લોકડાઉન, ઓક્સીજન, ઇન્જેક્શન, SIR અને હવે ગેસની લાઈનમાં ઉભા રહેવા મજબુર કર્યા ત્યારે માનવ સર્જિત ઉર્જા સંકટ માટે મોદી સરકાર સીધી જવાબદાર છે. રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર ગેસના પૂરતો પુરવઠાના સંગ્રહ માટે આગોતરા આયોજનના અભાવે સમયસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. તેવું પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણવ્યું હતું.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે ગેસની અછતને કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સિરામીક સહિત અનેક ઉદ્યોગો બંધ થઈ ગયા છે. કોમર્શિયલમાં ગેસનો સપ્લાય બંધ કરી દેવાના કારણે અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓની મેસ – કેન્ટીન, સેવાકીય અન્નક્ષેત્રો બંધ થઈ રહ્યા છે.

એલપીજી (LPG)ની માંગ ની સામે ઉત્પાદન ઘટી ગયું

દેશમાં રસોઈ માટે ઉપયોગમાં આવતો લીક્વીફાઈડ પેટ્રોલીયમ ગેસ ૬૦ ટકા થી વધુ આયાત કરવામાં આવે છે. દેશમાં સતત એલપીજી (LPG)ની માંગ ની સામે ઉત્પાદન ઘટી ગયું છે. દેશમાં એલપીજી આયાતમાં ૧૨ ગણો વધારો થયો છે. એટલે કે ભારત દેશ એક વર્ષમાં ૨૦૦૦ થી ૨૦૧૦ વચ્ચેના દાયકાના LPG ઉત્પાદન ઝડપ થી વધ્યું હતું. પરંતુ વર્ષ ૨૦૧૭-૧૮ પછી ઉત્પાદન ઘટી ગયું છે. લગભગ સ્થિર થઇ ગયું છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકારમાં રીફાઈનરીના ઉત્પાદનમાં ૫.૫ ટકા જેટલો LPGનો ભાગ હતો જે છેલ્લા પાંચ વર્ષમાં ૪.૨ ટકા જ LPG નો ભાગ છે જે કેન્દ્ર મોદી સરકારની નીતિ અને નિયતને ઉજાગર કરે છે

ગેસની તંગીની અસર માત્ર ઘર વપરાશ પર નહીં પરંતુ ઉદ્યોગો પર પણ પડી રહી છે. મોંઘવારીના કઠીન સમયમાં લોકોને સરકાર દ્વારા ખાસ કોઈ રાહત મળતી નથી અને ગૃહિણીઓને પણ ગેસ સિલિન્ડર મેળવવા માટે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગેસની અછતની સીધી અસર માત્ર ઘર વપરાશ પર નહીં પરંતુ ઔદ્યોગિક વપરાશ પર પણ પડી રહી છે. સરકાર તાત્કાલિક ગેસનો પુરતો પુરવઠો સમયસર ઉપલબ્ધ કરાવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.

Most Popular

To Top