SURAT

મુંબઈથી સુરત ફોર વ્હીલર ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ લાવતા ત્રણ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયા

સુરત: કડોદરા – નિયોલ ચેક પોસ્ટ પાસે ફોર વ્હીલર (Car) ગાડીમાં મુંબઈથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ (Drugs) નો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે કાર ચાલક સહિત ત્રણ જણાને 19.62 લાખની કિમતના 196.2 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતાં.

સુરત (Surat) પોલીસ કમિશનરે છેલ્લા એક વર્ષથી શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધર્યું છે. પોલીસ શાખાની મહત્વપૂર્ણ બ્રાંચ સતત આવા કેસની શોધમાં છે. ત્યારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ (PSI)ને બાતમી મળી હતી કે, મુંબઈ (Mumbai)થી સુરત કારમાં મેફ્રેડોન લાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ગઈકાલ રાત્રે કડોદરા નિયોલ ચેક પોસ્ટ (check post) ઉપર વોચ ગોઠવી ગોલ્ડન બ્રાઉન કલરની હૉન્ડા અમેઝ કાર નંબર જીજે-05-આરએમ-4881 ને પકડી પાડવામાં આવી હતી. કારમાં બેસેલા ડ્રાઈવર ઇમરાન અબ્દુલ રશીદ શેખ (ઉ.વ.37, રહે. શેખ ઝાલા સ્ટ્રીટ ગોરે ગરીબા કબ્રસ્તાનની સામે રાંદેર), મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે બોબા ફકરૂદીન ખાન (ઉ.વ.42, રહે. સુલતાનિયા જીમખાના કોઝવે રોડ રાંદેર) તથા મુઝ ઉર્ફે માજ ઇબ્રાહીમ સૈયદ (ઉ.વ.19 રહે. લાલબાગનો ટેકરો, કોઝવે રોડ આમલીપુરા રાંદેર) ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 19.62 લાખની કિમતનો 196.2 ગ્રામ મફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય મોબાઈલ ફોન અને 2,49,500 રોકડા મળી કુલ 28.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મુંબઈના નાલાસોપારાથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ લાવ્યા હતા
આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો તેઓ મુંબઇ નાલાસોપારા ખાતે એક અજાણ્યા પાસેથી ખરીદી લાવ્યા હતા. કારમાં સુરતમાં લાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં છુટક વેચાણ કરવાના હતાં.

ઇમરામ ઉર્ફે બોબા મુખ્ય સૂત્રધાર, તે કાર લે-વેચનું કામ કરે
ક્રાઈમ બ્રાંચે પકડેલા ત્રણેય આરોપીઓ પૈકી ઇમરાન ઉર્ફે બોબા મુખ્ય આરોપી છે. તે આ મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચાણ કરવાનો હતો. ઇમરાન સામે વર્ષ 2017 માં રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. અને આ કેસમાં તે 22 મહિના જેલમાં રહીને આવ્યો હતો. તથા રાંદેરમાં જ વર્ષ 2019 માં ધમકીનો ગુનો પણ દાખલ થયો છે. તે કાર લે વેચનું કામ કરે છે.

મુઆઝ ડ્રગ્સની ક્વોલિટી ચકાસી ભાવ નક્કી કરતો હતો
ત્રણેય આરોપીઓ પૈકી ત્રીજો આરોપી મુઆઝ ઉર્ફે મુજા ઇબ્રાહીમ સૈયદ ઇંડાની તથા ચાની લારી ચલાવે છે. તે ઇમરાન જે પણ ડ્રગ્સ લાવતો તેનો ટેસ્ટ લઈને ક્વોલિટી ચેક કરતો હતો. તે ડ્રગ્સનો જાણકાર હોવાથી આ અસલી છે કે નકલી તે ઓળખી જતો હતો. તેને ક્વોલિટી ચેક કરીને ભાવ નક્કી કરતો હતો. મુઆઝ પણ ઇમરાન ઉર્ફે બોબા સાથે રાંદેરમાં હત્યાના પ્રયાસના કેસમાં સંડોવાયેલો હતો.

આરોપીઓને પુરતો માલ નહીં મળ્યો
આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સની સાથે પોલીસને 2.49 લાખ રોકડા મળ્યાં હતાં. તેઓ મુંબઈમાં માલ લેવા તો ગયા પણ પૂરતો માલ ન હતો. જેથી લઈ ગયેલા રૂપિયામાંથી બચેલા 2.49 લાખ રૂપિયા પાછા લઈને આવ્યા હતા. તેઓ અહીં આ ડ્રગ્સ એક ગ્રામના ગ્રાહક મુજબ 1200 થી 2000 રૂપિયામાં આપતા હતાં. કોને, કયા વિસ્તારમાં આપતા કે તેમની પાછળ ફાયનાન્સીયલ સપોર્ટ કોણ કરતું તે અંગેની તપાસ ક્રાઈમ બ્રાંચે હાથ ધરી છે.

Most Popular

To Top