SURAT

સુરત એરપોર્ટ પર ડ્રગ્સ માફિયાને મોટો ઝટકો

ડાયમંડ સિટી સુરત હવે માત્ર વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની નજરે પણ આવી ગઈ છે કે શું? એવો ગંભીર સવાલ ઊભો કરતો એક હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામે આવ્યો છે. કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મોટી કાર્યવાહી કરીને અંદાજે ૫.૭૫ કિલો જેટલો ઉચ્ચ ગુણવત્તાનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.

સીટના કુશન અને પગમાં છુપાવેલો નશો પકડાયો
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-૨૯૩ દ્વારા બેંગકોકથી સુરત આવેલા ચાર મુસાફરો આ નશીલા પદાર્થને અત્યંત ચાલાક રીતથી ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોપીઓએ ગાંજો પોતાની સીટના કુશન કવર અંદર તેમજ પગના ભાગે છુપાવ્યો હતો, જેથી સુરક્ષા તપાસમાં બચી શકાય. પરંતુ કસ્ટમ વિભાગની સતર્કતા અને ચોક્કસ ઇનપુટના આધારે આ મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ ઝડપાઈ ગયું.


૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ફ્લાઈટ લેન્ડ થયા બાદ વિમાનની સીટ નંબર ૨૮બી નજીક બિનવારસી હાલતમાં ગુલાબી રંગની બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતા તેમાં બ્રાઉન ટેપથી પેક કરાયેલા ૯ પેકેટ મળી આવ્યા. કસ્ટમ વિભાગે તરત જ રિજનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો સંપર્ક કર્યો હતો. તપાસમાં આ પદાર્થ ‘હાઈડ્રોપોનિક ગાંજો’ હોવાનું પુષ્ટિ થયું. ત્યારબાદ વિમાનની અન્ય સીટો નીચે પણ વધુ જથ્થો મળી આવ્યો.

આ મામલે હરિયાણા અને ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પરવીન કરમવીર, પ્રદીપ સુરજભાન, વિક્રમ ભાઈકલ બહવીર સિંહ (ત્રણે હરિયાણાના રહેવાસી) તથા અશુલ ગુપ્તા જે  ઉત્તર પ્રદેશ)નો રેહવાસી હોવાનું સામે આવ્યું છે. ચારેય પાસેથી અલગ-અલગ માત્રામાં ગાંજો મળી આવ્યો હતો, જે કુલ મળીને અંદાજે ૫.૭૫ કિલો થાય છે.

કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટની કલમ ૮(c), ૨૦ અને ૨૩ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે
હાલ તો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગાંજો બેંગકોકથી સુરત લાવવામાં આવ્યો હતો અને શક્ય છે કે સુરતને ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવી અન્ય શહેરોમાં સપ્લાય કરવાનો પ્લાન હતો. અગાઉ પણ આ ટોળકી સુરત આવી ચૂકી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે..હાલ કસ્ટમ વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના તાર શોધવા માટે તપાસ વધુ તેજ કરી રહી છે. એરપોર્ટ પરની સતર્કતાને કારણે કરોડોનો નશો બજારમાં પહોંચે તે પહેલાં જ અટકાવી લેવાયો છે, જે મોટી સફળતા ગણાઈ રહી છે.

Most Popular

To Top