સુરત: મુંબઈ (Mumbai)થી સુરત (Surat)માં એમડી ડ્રગ્સ (m.d drugs)લાવી વેચનાર કાપડ દલાલ (textile broker), એક મહિલા સહિત ચાર જણાને સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime branch) ડિંડોલી ખરવાસા રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી 7.90 લાખની કિમતનું 79 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ રૂ 12.27 લાખનો મુદ્દામાલ કબજે કરી ક્રાઈમ બ્રાંચે વધારે તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી ટેક્સી પાસિંગની હ્યુન્ડાઇ એસેન્ટ કાર નંબર (જીજે-23-એટી-3865) માં એક મહિલા સહિત ત્રણ જણા એમડી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા છે.
જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ડિંડોલીથી ખરવાસા રોડ ઉપર કમલેશ શાંતીલાલ દુગડ (જૈન) (ઉ.વ.38, રહે, સાંનિધ્ય રેસિડેન્સી, પરવટ પાટિયા સુરત. તથા મૂળ મહાવીરનગર, જૂના બસ સ્ટેન્ડ પાસે, પાલી, રાજસ્થાન), વિકાસકુમાર ઉર્ફ વીક્કી હસમુખભાઇ પટેલ (ઉ.વ.૨૭, રહે. ક્રિષ્ણા રેસિડેન્સી, અમરોલી સુરત. તથા મુળ ગામ. દંતેલી, પેટલાદ, આણંદ), ક્રિષ્ણાદત્ત સુરેશચંદ્ર દુબે (દ્વીવેદી) (ઉ.વ.36, રહે. રાજદીપ સોસાયટી, કરાડવા રોડ, ડિંડોલી. તથા મુળ. પ્યારે કિન્નર થાણુ, લાલાબુર, પ્રયાગરાજ ઉત્તરપ્રદેશ) અને પૂજા રાજેશ્વર મોહન ગુપ્તા (ઉ.વ.૨૫, રહે. પ્રગતિ સોસાયટી, કારગીલ ચોક પીપલોદ સુરત. તથા વિમાન નગર, સંજય પાર્ક, પુના મહારાષ્ટ્ર. મુળ પટના, બિહાર) ને ઝડપી પાડ્યા હતા. મહિલા પાસેથી પોલીસે 7.90 લાખની કિંમતનું 79 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું. ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સ, 6 મોબાઈલ ફોન, રોકડા 4,380 રૂપિયા, એક ડિજીટલ કાંટો, હ્યુન્ડાઈ કાર, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ મળી કુલ 12.27 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પૂજા દોઢ મહિના પહેલા જ કામ માટે મુંબઈથી સુરત આવી હતી
પૂજા ગુપ્તા અગાઉ મુંબઈમાં રહેતી હતી. ચારેક મહિના પહેલા પૂજા અને ક્રિષ્ણાદત્ત ફેસબુક પર સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ક્રિષ્ણાએ પૂજાને સુરતમાં કામ અપાવવાનું કહેતાં તે દોઢ મહિના પહેલા સુરત રહેવા આવી હતી. સુરતમાં તેણે પીપલોદ ખાતે મકાન ભાડે રાખ્યું હતું. ક્રિષ્ણાદત્ત મુખ્ય આરોપી કમલેશનો મિત્ર છે અને વિકાસ કારનો ડ્રાઈવર છે.
કાપડ દલાલ વર્ષ 2010 થી ડ્રગ એડિક્ટ હતો
ડ્રગ્સ લાવનાર મુખ્ય આરોપી કમલેશ જૈન છે. કમલેશ કાપડની દલાલી કરે છે. તે વર્ષ 2010 થી ડ્રગ્સનો એડિક્ટ છે. અત્યારે કાપડમાં મંદી આવતા તેને ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું હતું. તે મુંબઈથી ડ્રગ્સ લાવતો અને સુરતમાં વેચતો પણ હતો. તે કોને કેટલું ડ્રગ્સ વેચતો તે અંગે ક્રાઈમ બ્રાંચે વધારે તપાસ હાથ ધરી છે.