વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે માનવ અધિકાર સમિતિ અને પાલિકા વચ્ચે બેઠક યોજાઈ
વેટીવર ઘાસ અને રેસ્ક્યુ થયેલા પ્રાણીઓના રિપોર્ટ મુદ્દે સમિતિએ પોતાની રજૂઆત કરી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગતરોજ વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ માટે માનવ અધિકાર આયોગ દ્વારા રચાયેલ સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકની અધ્યક્ષતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ કરી હતી. બેઠકમાં વિશ્વામિત્રી નદીના પુનઃજીવન માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમાં નદીના રીસેક્શનીંગ, ડીસિલ્ટિંગ અને વરસાદી કાંસોના ડ્રેજિંગના કામો અંગે ચર્ચા થઈ. નદીકાંઠે વૃક્ષારોપણ અને તેની જાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરો અને કાચબાઓના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત નદીકાંઠા, વરસાદી કાંસા અને તળાવોમાંથી કન્સ્ટ્રક્શન સાઈટો દ્વારા નાખવામાં આવેલા વેસ્ટ નીકાળવા અંગે પણ ચર્ચા થઈ. આ વેસ્ટ નાખનાર સામે કડક કાર્યવાહી અને ભારે દંડ ભરવાના સૂચનો પણ આપવામાં આવ્યા.
બેઠકમાં સમિતિ દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગેનિયન વોલ અને વેટીવર ઘાસ ક્યાં ક્યાં લગાવવાના છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. સાથે જ પ્રોજકેટની વિડિયોગ્રાફી સહિતના ડેટા પણ સમિતિએ પાલિકા પાસે માંગ્યા છે. વધુમાં, વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન જે પ્રાણીઓના રેસ્ક્યુ કર્યાં તેના ફોટોગ્રાફ્સ સાથેનો એક રિપોર્ટ તૈયાર કરવાનું પણ સૂચન સમિતિ દ્વારા કરાયું છે. DRIL મુજબના નકશાના માર્કિંગ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં સમિતિના સભ્યો રોહિતભાઈ પ્રજાપતિ, નેહાબેન સર્વેટે અને મિતેશભાઈ પંચાલ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા, સિંચાઈ વિભાગ, હાઈવે ઓથોરિટી અને બુલેટ ટ્રેન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર બીજો રિપોર્ટ 1 ઓગસ્ટે, ત્રીજાની તૈયારી શરૂ
વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ માટે માનવ અધિકાર આયોગ દ્વારા રચાયેલ સમિતિ દ્વારા ગત માસમાં એક પૂરક રિપોર્ટ જાહેર કરાયો હતો. જેમાં નિષ્ણાતોની કમિટીએ વિશ્વામિત્રી પર નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. હવે વધુ એક રિપોર્ટ એટલે કે, બીજો રિપોર્ટ એક ઓગસ્ટના રોજ જાહેર થશે. આ રિપોર્ટ સમિતિએ ગત 20 જુલાઈએ સબમિટ કર્યો હતો. વધુમાં, સમિતિએ ત્રીજા રિપોર્ટ પર પણ કામગીરી શરૂ કરી દીધી છે.