ગાંધીનગર: ગુજરાતના પોલીસ વડા (ડીજીપી) તરીકે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારે 1992ની બેચના આઇપીએસ અધિકારી ડો. કે લક્ષ્મીનારાયણ રાવની ઇન-ચાર્જ ડીજીપી પદે નિયુક્તિ કરી છે. હાલના પોલીસ વડા વિકાસ સહાયનો છ મહિનાનો એક્સટેન્શન પિરીયડ પૂર્ણ થતાં રાજ્યના ગૃહ વિભાગે હાલ સિનિયર આઇપીએસ અધિકારીની પસંદગી કરી છે. જો કે પૂર્ણકક્ષાના ડીજીપીની નિયુક્તિ હવે પછી થશે.આજે સાંજે વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થતાં વિદાય સમારંભ યોજાયો હતો.
નવનિયુક્ત ઇન્ચાર્જ ડીજીપી ડો. કે લક્ષ્મીનારાયણ રાવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ફરજો બજાવી છે. તેઓ હાલ પોલીસ મહાનિર્દેશક, સીઆઇડી (ક્રાઇમ અને રેલવે) તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમને આ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. આ પહેલાં તેઓ જેલ વિભાગના વડા રહી ચૂક્યાં છે. આ ફરજ દરમ્યાન તેમણે ખેલ હૈ તો જીવન હૈ.. જેવા કાર્યક્રમો કર્યા હતા. રાજ્યની જેલોમાં તેમની ભૂમિકા અને માર્ગદર્શનના ઉલ્લેખો સરકારી અને સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર જોવા મળે છે. તેમણે જેલ સુધારણા, કેદીઓમાં સદભાવના અને ઉત્સાહ વધારવા માટે અનેક પહેલ કરી છે.
ગુજરાત પોલીસમાં સિનીયર મોસ્ટ ડો.સમશેરસિંઘ છે પરંતુ તેઓ ડેપ્યુટેશન પર હોવાથી રાવ મુકાયા
રાજ્યના પોલીસ વડા તરીકે સિનિયર અધિકારીને મૂકવામાં આવે છે. ગુજરાત કેડરમાં આમ તો સિનિયર મોસ્ટ 1991ની બેચના આઇપીએસ અધિકારી ડો. શમશેરસિંઘ છે પરંતુ હાલ તેઓ ડેપ્યુટેશન પર નવી દિલ્હીમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમના પછીના ક્રમે આવતા મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર મહિનામાં જ વયનિવૃત્ત થઇ ચૂક્યાં છે. વિકાસ સહાયને આજે છેલ્લા દિવસે વિદાયમાન આપવામાં આવ્યું હતું.
ડો. કે.એલ.એન. રાવ મૂળ તેલંગાણાના વતનીછે,
સિનિયર આઇપીએસ ડો. રાવની શૈક્ષણિક કારકિર્દી એમએસસી, પીએચડી, ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ, આઇઆઇએમ-બેંગલુરૂ છે. તેઓ મૂળ તેલંગાણાના વતની છે. આ પદ માટે છેલ્લા ઘણાં સમયથી અનેક નામોની અટકળો વહેતી થઇ હતી, જેમાં અમદાવાદના પોલીસ કમિશનર અને 1993ની બેચના આઇપીએસ જી એસ મલિકનું નામ પણ સામેલ હતું. છેવટે સિનિયોરિટી પ્રમાણે સરકારે અત્યારે ઇન-ચાર્જ તરીકે નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે ડો. રાવે તેમની સેવા દરમ્યાન ફિલ્ડ તેમજ નીતિ-નિર્માણ સાથે જોડાયેલા અનેક મહત્વના પદો પર કામ કર્યું છે. તેઓ કાયદો-વ્યવસ્થા, ગુપ્તચર કામગીરી, તપાસ, સંસ્થાગત સુધારા અને જેલ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ઉંડો અનુભવ ધરાવે છે. એટલું જ નહીં, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંકલન સાધવામાં કુશળતા ઉપરાંત સંવેદનશીલ-હાઇપ્રોફાઇલ કેસો હેન્ડલ કરવામાં કાબેલ અધિકારી છે.