National

મધરાતે દિલ્હીમાં ડબલ ડેકર બસ પલટી

2ના મોત, 25 મુસાફરોમાં ચીસો અને અફરાતફરી


દિલ્લીના કરોલ બાગ વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજસ્થાનથી આવી રહેલી ડબલ ડેકર બસ પલટી જતા 2 લોકોના મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત સમયે બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા.

માહિતી મુજબ, આ બસ રાજસ્થાનના જયપુરથી દિલ્હી તરફ આવી રહી હતી. મધરાત બાદ લગભગ 1:08 વાગ્યે કરોલ બાગ નજીક ઝંડેવાલાન મંદિર વિસ્તાર પાસે હનુમાન મંદિર ચોક પાસે બસ અચાનક કાબૂ ગુમાવતા પલટી ગઈ. ઘટના બાદ તરત જ ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો, જેના આધારે અનેક રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

બસ પલટી જતા સ્થળ પર ચીસો અને અફરાતફરી મચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢી તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સર ગંગારામ હોસ્પિટલ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બસના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે, જેના કારણે આ અકસ્માત સર્જાયો. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલા જ ઉત્તર પ્રદેશના હથરસમાં યમુના એક્સપ્રેસવે પર પણ આવી જ એક દુર્ઘટના બની હતી, જેમાં ડબલ ડેકર બસે વાનને ટક્કર મારી હતી અને 6 લોકોના મોત થયા હતા. આ તાજા અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે લોકોને સાવચેતી રાખવા અને ડ્રાઈવરોને ખાસ ધ્યાનથી વાહન ચલાવવાની અપીલ કરી છે.

Most Popular

To Top